બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Extra / તમારા કામનું / રોઝડા-નીલગાયના ત્રાસથી ખેતરને બચાવશે એક લાલ સાડી, એક્સપર્ટે જણાવ્યો ઉપાય
Last Updated: 06:42 PM, 16 July 2024
ખેડૂતોએ ખેતરમાં કરેલી વાવણી અને પાકને રોઝડા અને ભુંડ નુકશાન પહોચાડતા હોવાથી ખેડૂતોને ભારે નુકશાન થઇ રહ્યુ છે. પરસેવો પાડી ખેડૂતોએ તૈયાર કરેલો પાક આખરી સમયે છીનવાઇ જતો હોય છે. ખેતીપાકને ખેદાન મેદાન કરતા રોઝડા અને ભુંડનો ત્રાસ ખેડૂતોને પાયમાલ કરે છે.પરંતુ હવે ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી માત્ર એક લાલ સાડી તમને આ સમસ્યાથી રાહત આપશે. છેલ્લા વર્ષોમાં જેટની ગતિએ વધતી જતી રોઝડા અને ભુંડની સમસ્યા વિકરાળ બનતી જાય છે. ગુજરાતમાં તમામ જીલ્લાઓમાં નીલગાયોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, આણંદ, જૂનાગઢ, મોરબી જિલ્લો, ગીર પંથકમાં ખેડૂતો ત્રાહીમામ બની ગયા છે. પરંતુ હવે સાડીનો ઉપાય અજમાવવાથી ખેડૂતોને રાહત મળી રહી છે અને રોઝડા અને નીલગાયથી પાકની બચાવી રહ્યા છે.
ADVERTISEMENT
સાડી જોઇ ભાગે છે રોઝડા
ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબ સહિતના ઘણા રાજ્યોમાં ખેડૂતો ફરિયાદ કરે છે કે જંગલી પશુઓ વાવણી પછી પાકનો નાશ કરે છે. જેના કારણે પાકની ઉપજ પર અસર થાય છે. કેટલીકવાર જંગલી ભૂંડ અને નીલગાય ઘણા પાકને નુકસાન પહોંચાડે છે કે ખેડૂતો માટે ખર્ચ વસૂલવો પણ મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ વધારે ખર્ચ કર્યા વિના માત્ર સાડી વડે આ પ્રાણીઓથી તેમના પાકનું રક્ષણ કરી શકે છે. કારણ કે તેઓ સાડીના ડરથી ખેતરોમાં પગ પણ મૂકતા નથી. ખાસ વાત એ છે કે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ખેડૂતો સાડી વડે પોતાના પાકની પણ રક્ષા કરી રહ્યા છે. આ ખેડૂતોનું કહેવું છે કે લાલ સાડીના કારણે નીલગાય અને જંગલી ભૂંડ ખેતરમાં આવતા નથી.
ADVERTISEMENT
રંગબેરંગી ગાડીઓ ખેડૂતોને મદદરૂપ
દેશની વાત કરીએ તો બિઝનેસ લાઇનના અહેવાલ મુજબ આંધ્ર પ્રદેશના ખમ્મમ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સાડીઓની મદદથી તેમના મરચાં અને અન્ય પાકને જંતુઓ અને જંગલી પ્રાણીઓથી બચાવી રહ્યા છે. જો તમે આ વિસ્તારોમાંથી પસાર થશો તો ખેતરોમાં ફેલાયેલી રંગબેરંગી સાડીઓ જોઈને તમે દંગ રહી જશો. પ્રથમ નજરે એવું લાગે છે કે કેટલાક ધોબીઓ સાડીઓ ધોયા પછી સૂકવી રહ્યા છે. પરંતુ નજીકથી જોવામાં આવે ત્યારે અલગ મામલો સામે આવે છે.
વિવિધ રંગોની સાડીઓથી ડરશે પ્રાણી
તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સંશોધન નિયામક ડૉ. જગદીશે મીડિયાને જણાવ્યું હતું કે સાડીના ઉપયોગથી જંગલી ભૂડ, નીલગાય જેવા જંગલી પ્રાણીઓના હુમલાને રોકી શકાયા છે. સાડીઓ જોઈને તેઓ ખેતરોની અંદર આવતા ડરે છે. તેમને લાગે છે કે ખેતરનો માલિક સ્થળ પર હાજર છે. તેમણે કહ્યું કે ખેડૂતોએ વિવિધ રંગોની સાડીઓનો ઉપયોગ કરવો જોઈએ. જો બધી સાડીઓ એકસરખી જ રહે તો પ્રાણીઓ ડરશે નહીં.
શું કહે છે ખેડૂતો
ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખેડૂતો હવે ખેતરમાં સાડીઓ લટકાવીને પાકનું રક્ષણ કરી રહ્યા છે. ખેતરમાં વાડની જેમ સાડીઓ ખોલીને લટકાવી દેવામાં આવે છે. આ સાડીઓ જુદા જુદા કલરની હોય છે પણ લાલ સાડીઓ વધુ હોય છે. જંગલી પ્રાણી આ સાડીઓ જોઇને ખેતરમાં આવતુ નથી જેના કારણે ખેતરમાં વાવણી કરેલો પાક બચી જાય છે. ખેડૂતોનો આ ઉપાય સફળ રહેતા રાહત અનુભવી રહ્યા છે.
ગુજરાતના ફફડતા ખેડૂતોને મળી રાહત
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષથી મોટાભાગનાં વિસ્તારમાં ઉભા ખેતપાકોમાં પ્રતિકુળ વાતાવરણ સિવાય તૃણભક્ષી રોઝડા (નીલગાય) અને ભુંડનાં આંતકએ ખેડૂતોની ઉંઘ ઉડાડી દીધી છે. ખેતીને ઘમરોળતા રોઝડા અને ભુંડની સમસ્યા હવે બારમાસી થઇ ગઇ છે. ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. અગાઉ કોડીનારના ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસી અનેકવાર આવેદન પત્ર પણ પાઠવી પાકને બચાવવા રજૂઆત કરી ચુક્યા છે. મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં પણ નીલગાય ખેતરના ઉભા પાકને નુકશાન કરે છે. આ મામલે ખેડૂતો સરકાર પાસે મદદ માગી ચુક્યા છે. જો કે આ ખેડૂતો માટે સાડી લટકાવી જંગલી પ્રાણીઓથી પાકને બચાવવાનો નુસકો રાહત આપી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.