બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:22 PM, 19 October 2022
ADVERTISEMENT
વિશ્વ પર મંદીના પડછાયા વચ્ચે હવે ફરી એકવાર અમેરિકામાં મંદીના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે અમેરિકી અર્થવ્યવસ્થામાં મંદીના જોખમને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે એક મોટી વાત કહી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, યુએસમાં ચરમસીમાએ પહોંચેલી મોંઘવારી અને તેના પર અંકુશ મેળવવા માટે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધતા વ્યાજદરોને કારણે દેશ ઝડપથી મંદી તરફ આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT
અમેરિકામાં 1990 જેવી પેટર્ન
ફિચ રેટિંગ્સે તેના અહેવાલમાં પોતાનો અંદાજ વ્યક્ત કર્યો છે કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં મંદીનું જોખમ 1990ની પેટર્નની જેમ દેખાઈ રહ્યું છે. ફેડ રિઝર્વે ફુગાવાને અંકુશમાં લેવા માટે એક પછી એક વ્યાજ ચાલુ રાખ્યું હતું, જે ચાર દાયકાની ટોચે પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ફેડ રિઝર્વનું આ પગલું ઉપભોક્તા ખર્ચને એટલી હદે ઘટાડી શકે છે કે તે 2023ના બીજા ક્વાર્ટર દરમ્યાન મંદીનું કારણ બનશે.
નોંધનીય છે કે, 1990માં યુએસ અર્થતંત્રમાં જબરદસ્ત મંદી આવી હતી, જે લગભગ 8 મહિના સુધી ચાલુ રહી હતી. આ મંદીના કારણે દેશમાં બેરોજગારીના દરમાં જોરદાર વધારો થયો હતો. જો આવી જ મંદી ફરી એકવાર સામે આવે છે તો તે યુએસ અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે આ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, અમેરિકામાં વર્ષ 1990 જેવી મંદી જોવા મળી શકે છે.
આ કારણે આવી શકે છે મંદી ?
ફિચે અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરી છે કે, ઉંચો ફુગાવો અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સતત વધારો આ વસંતઋતુ (માર્ચથી મે) સુધીમાં યુએસ અર્થતંત્રને ફરીથી મોટી મંદીનો શિકાર બનાવી શકે છે. આવી આશંકા વ્યક્ત કરતા રેટિંગ એજન્સીએ અમેરિકાના જીડીપી વૃદ્ધિ અંદાજમાં પણ ઘટાડો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, યુએસ અર્થતંત્ર આ વર્ષે માત્ર 0.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. જ્યારે આગામી નાણાકીય વર્ષમાં વિકાસ દર 1.5 ટકા સુધી રહી શકે છે.
ફિચ રેટિંગ્સના અર્થશાસ્ત્રીઓએ શું કહ્યું ?
ફિચ રેટિંગ્સના અર્થશાસ્ત્રીઓએ જો કે રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે, અમે જે યુએસ મંદીની આગાહી કરી રહ્યા છીએ તે ખૂબ જ હળવી હશે. નોંધનીય છે કેમ તાજેતરમાં બેન્ક ઓફ અમેરિકાના યુએસ ઇકોનોમિક્સના વડા માઇકલ ગેપેને આગામી એક વર્ષમાં અમેરિકામાં બેરોજગારીનો દર 5 થી 5.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ અંદાજ વધુ ચિંતાજનક લાગે છે કારણ કે, ફેડ એ પણ આગામી વર્ષે બેરોજગારી દર 4.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકા આગામી વર્ષના પહેલા છ મહિનામાં એટલે કે જાન્યુઆરી-જૂનમાં મંદીમાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.