રશિયા દ્વારા યુક્રેન પર તાબડતોબ હુમળાઓની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સામે ફરી નરમ વલણ દર્શાવ્યું છે અને વાતચીત માટે તૈયારી દર્શાવી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ
પુતિને ફરીવાર વાતચીત માટે તૈયારી દર્શાવી
મારી શરતો સ્વીકારો તો હું વાતચીત કરીશ: પુતિન
પુતિને નમતું જોખ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન પરના યુદ્ધના 9મા દિવસ સુધી કોઈ મોટી સફળતા મળી નથી એવામાં શુક્રવારે તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું. પુતિને યુક્રેનના શહેરોમાં બોમ્બ ધડાકા કરવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તો તેઓ વાતચીત કરવા તૈયાર છે.
મારી શરતો સ્વીકારો અને વાતચીત કરો: પુતિન
પુતિનના કાર્યાલય, ક્રેમલિન દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર યુક્રેનિયન શહેરો પર બોમ્બ ધડાકાના અહેવાલો ખોટા અને નકલી છે. પુતિનનું નિવેદન જર્મન ચાન્સેલર ઓલાફ સોલ્ઝ સાથેની વાતચીત દરમિયાન આવ્યું છે. પુતિને કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરોમાં હવાઈ હુમલાના સમાચાર એક મોટો પ્રોપેગેન્ડા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુક્રેન પર વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે. ક્રેમલિન અનુસાર, પુતિને પુષ્ટિ કરી છે કે યુક્રેનિયન પક્ષ અને અન્ય તમામ સાથે વાતચીતનો વિકલ્પ રશિયા માટે ખુલ્લો છે. પરંતુ શરત એ છે કે રશિયાની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે.
શું છે પુતિનની શરતો?
ક્રેમલીન અનુસાર પુતિનની માંગ છે કે યુક્રેન તટસ્થ અને બિનપરમાણુ રાજ્ય રહે. આ સાથે જ ક્રિમિયાને રશિયાના ભાગ તરીકે માન્યતા આપવામાં આવે અને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સાર્વભૌમત્વનો સમાવેશ થાય છે. જેમાં બંને પક્ષો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત અંગે આશા વ્યક્ત કરવામાં આવી હતી.
દેશ છોડીને જતાં રહ્યા છે રાષ્ટ્રપતિ: રશિયા
બીજી તરફ, રશિયન સંસદ ડુમાના સ્પીકરે દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દેશ છોડીને પોલેન્ડ ભાગી ગયા છે. જો કે યુક્રેન પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
કીવથી માત્ર 13 કિમી દૂર છે રશિયાની સેના
યુક્રેન પર રશિયા દ્વારા કરાયેલ સૈન્ય કાર્યવાહીનો આજે દસમો દિવસ છે. દુનિયાભરમાં ચિંતા વચ્ચે ભીષણ લડાઈ હજુ ચાલુ છે ત્યાં રશિયન મીડિયા અનુસાર, રશિયન સેના યુક્રેનની રાજધાની કિવથી 13 કિલોમીટર દૂર છે.
યુક્રેન પણ આપી રહ્યું છે જડબાતોડ જવાબ
જોકે રશિયન સેના લશ્કર સાથે કિવને ઘેરી લેવાના પ્રયાસમાં લાગેલી છે અને બીજી તરફ યુક્રેનના સૈનિકોએ જોરદાર જવાબ આપીને રશિયન સૈનિકોને કિવની નજીક આવતા અટકાવી રહ્યા છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર માત્ર સૈન્ય જ નહીં પરંતુ ત્યાંની પ્રજા પણ રશિયાની સેનાને જોરદાર ટક્કર આપી રહી છે અને નુકસાન કરી રહી છે.