Team VTV09:58 PM, 01 Oct 19
| Updated: 10:04 PM, 01 Oct 19
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે શક્તિશાળી પદો પર બેઠેલા લોકોએ આલોચનાને સહન કરવી જોઇએ. સાથે જ એમણે એક બ્લોગમાં ચેતવણી આપી છે કે ટીકાઓને દબાવવાથી નીતિગત ભૂલો શરતોને આધિન બની રહેશે.
ટીકાકારોને શાસક પક્ષની ટ્રોલ સેના દ્વારા પીછેહઠ કરવાનું કહેશે તો લોકો અવાજ નહીં ઉઠાવે : રઘુરામ રાજન
પૂર્વ RBI ગવનરે કહ્યું, કડવા સત્યને ખરેખરમાં છુપાવી નહીં શકાય
ટીકાને દબાવતા રહેવું એ નીતિગત ભૂલોને છૂપાવવા માટે રામબાણ સાબિત થતું હોય છે: રઘુરામ રાજન
રઘુરામ રાજને (Raghuram Rajan) એમ પણ કહ્યું છે કે ટીકા એકમાત્ર રસ્તો છે જેમાં સરકાર સુધારાત્મક નીતિના પગલાં લે છે. જાણીતા ન્યાયશાસ્ત્રી અને ઉદારવાદના અગ્રણી હિમાયતી નાના પલકીવાલાની સિદ્ધિઓને યાદ કરતાં RBIના ભૂતપૂર્વ ગવર્નરે લખ્યું છે કે, "દરેક ટીકાકારને સરકારી અધિકારી દ્વારા ફોન પર પીછેહઠ કરવા અથવા શાસક પક્ષની ટ્રોલ સેના દ્વારા પૂછવામાં આવશે, તો ઘણા લોકો પોતાની ટીકાઓનો સૂર નીચો કરી લેશે, એને ધીમો કરી લેશે. આવી સ્થિતિમાં સરકાર ત્યાં સુધી જ સારું-સારું કહેવાતા માહોલમાં સમય ગાળી શકશે, જ્યાં સુધી કડવા સત્યને નજરઅંદાજ કરી દેવાય.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સત્તામાં શક્તિશાળી હોદ્દા ધરાવતા લોકોએ ટીકા સહન કરવી જ જોઇએ. રઘુરામ રાજને કહ્યું, નિશંકપણે મીડિયામાં કરવામાં આવતી ટીકાઓ જેમાં કેટલીક ટીકાઓ ખોટી માહિતી પર આધારિત હોય છે અને કોઈ ચોક્કસ હેતુથી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને પદ પર રહેલી વ્યક્તિને ટાર્ગેટ કરવા માટે થતી હોય છે. જો કે આવું અગાઉની નોકરી દરમિયાન મારી સાથે પણ આવું જ બન્યું છે. પરંતુ એ વાતને નકારી ન શકાય કે ટીકાને દબાવતા રહેવું એ નીતિગત ભૂલોને છૂપાવવા માટે રામબાણ સાબિત થતું હોય છે.
હાલમાં શિકાગો યુનિવર્સિટીમાં ફાઇનાન્સના પ્રોફેસર તરીકે કાર્યરત રઘુરામ રાજને કહ્યું હતું કે, સતત ટીકાઓની સાથે જ સુધારાત્મક નીતિગત પગલાં લઈ શકાય છે. તેમણે કહ્યું, "જે સરકાર જાહેર ટીકાના અવાજને દબાવતી હોય છે તે પોતે જ પોતાનું સૌથી મોટું નુકસાન કરે છે."
શા માટે રઘુરામ રાજને આવું કહ્યું?
ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજનના આ વિચારો બહાર આવવાનું મુખ્ય કારણ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિમાંથી રતિન રોય અને શામિકા રવિને હટાવવામાં આવ્યાં. જેમાં કથિતરૂપે સરકારની નીતિઓની ટીકા કરવાને કારણે તેમને હટાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
બ્રુકિંગ્સ ઈન્ડિયા ખાતેના સંશોધન નિયામક શામિકા રવિ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર રતિન રોયે સૉવરેન બોન્ડ્સ દ્વારા વિદેશી બજારોમાંથી નાણાં એકત્ર કરવાના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
જો કે રઘુરામ રાજને પહેલી વખત સરકારની નીતિઓ અને પગલાં પર સવાલ ઉઠાવ્યાં છે તેવું નથી. અગાઉ, રઘુરામ રાજને પણ વિદેશી સૉવનેર બોન્ડ દ્વારા ભંડોળ ઊભું કરવાના પરિણામો વિશે સરકારને ચેતવણી આપી હતી.