ભયના ઓથારે ભણતર: નબળી ગુણવત્તાનું બાંધકામ હોવાથી જર્જરિત બની શાળાઓ!

By : hiren joshi 02:37 PM, 30 June 2018 | Updated : 02:38 PM, 30 June 2018
ભુજ: શહેરના રાવલવાડી રિલોકેશન મધ્યે આવેલી શાળા ૧૪ વર્ષના ગાળામાં જ જર્જરિત બની ગઈ છે. ભ્રષ્ટાચારના કારણે ૨૫૬ બાળકો અને ૧૧ શિક્ષકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્રએ આ શાળા તોડી પાડવા તાજેતરમાં જ નિર્ણય લીધો છે, પરંતું બાળકો પરથી જીવનો ખતરો હટાવવા તંત્ર નક્કર કામગીરી ક્યારે કરશે તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બની રહ્યો છે.

એક તરફ રાજ્ય સરકાર શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ સરકારી ગ્રાન્ટનો દુરઉપયોગ કરીને ભ્રષ્ટચાર થાય છે. કચ્છના પાટનગર ભુજ મધ્યે આવેલી રાવલવાડી પ્રાથમિક શાળામાં નબળી ગુણવતાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 14 વર્ષના ટૂંકા સમય ગાળામાં જ લાખોના ખર્ચે નિર્માણ પામેલી આ શાળા ભ્રષ્ટાચારના ભરડામાં ફસાઈ છે. શાળાની છતમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે સિમેન્ટના પોપડા ખરી રહ્યા છે.

વિટીવીની ટીમે આ શાળાની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે, આ શાળાની છત તકલાદી હોવાના કારણે ક્યારે કોઈ જાનહાની સર્જાય તેવી ભીતિ વચ્ચે નાના ભૂલકાઓ પોતાના ભાવિનો ઘડતર માટે અહીં ભયના ઓથા હેઠળ અભ્યાસ કરી રહ્યા હતા.

ભુજની રાવલવાડી રિલોકેશન સાઈટ ભૂકંપ બાદ નિર્માણ પામી છે. ૨૦૦૪માં આ વિસ્તારમાં સરકારી શાળાનું નિર્માણ થયું હતું. જે તે સમયે શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના કારણે ૧૪ વર્ષના ગાળામાં જ આ શાળા જર્જરિત બની જતા ૨૫૬ બાળકો અને ૧૧ શિક્ષકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. ઠેકઠેકાણેથી જર્જરિત બનેલી આ શાળાની ઈમારતના પોપડા ખરી રહ્યા છે. દરરોજ પોપડા ખરવાની ઘટના બનતા બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબુર છે. છેલ્લા બે વર્ષથી આ શાળાના ૧૪ ઓરડા અને શૌચાલયની છત પરથી પોપડા ખરી રહ્યા છે. ક્યારેક ચાલુ શાળાએ પોપડા ખરે છે ત્યારે ક્લાસરૂમમાં ભાગદોડ મચી જાય છે. શાળાની ઈમારત ભારે વરસાદ ઝીલી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી શાળાની ઈમારત ગમે ત્યારે ધરાશાયી થવાનો ભય ઉભો થયો છે. 

નવાઈની વાત છે કે શાળાની ઈમારત નવી બનાવવા અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતા જીલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓએ શાળાની મુલાકાત લેવા સિવાય કશું જ નથી કર્યું. શાળાની મરંમતની ફાઈલ માત્ર સરકારી ટેબલો પર જ ફરી રહી છે. અનેક રજૂઆતો બાદ તંત્રએ આ શાળાને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. પરંતું આ નિર્ણય પર અમલવારી કયારે થશે તેનો સાચો જવાબ સ્થાનિકો અને જોખમ વચ્ચે શિક્ષણ કાર્ય કરતા શિક્ષકોને નથી મળી રહ્યો.Recent Story

Popular Story