બોટાદમાં રહેતી પત્નીએ પોતાના જ પતિ સામે માનસિક, શારીરિક ત્રાસ અને દુષ્કર્મની ફરિયાદ વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં આપતા હડકંપ મચી જવા પામ્યો છે. આ સમગ્ર ઘટના ચોંકાવનારી છે.
14 વર્ષની ઉંમરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા
પીડિતાનો બે વખત કરાવ્યો હતો ગર્ભપાત
લગ્ન કરી પરિવારના સભ્યોએ ત્રાસ આપ્યાની ફરિયાદ
બોટાદમાં પીડિત પત્નીને પતિ અને તેના પરિવારના સભ્યોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિત પત્ની વડોદરામાં પોતાના સંબંધીને ત્યાં દોડી આવી છે. વડોદરા પોલીસ પાસે મદદની ગુહાર લગાવી છે. પીડિત પત્નીનો પતિ અર્જુનસિંહ ચુડાસમા ધારૂકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને બોટાદમાં જ રહે છે.
પીડિત પત્ની લગ્ન પહેલા તેના પતિ અર્જુનસિંહ પાસે ખાનગી ટ્યુશન કરવા જતી હતી, તેમજ શિક્ષક પણ પીડિતાના ઘરે જઈ કોમ્પ્યુટરના ક્લાસ શિખવાડતો હતો. તે દરમિયાન પીડિતા માત્ર 14 વર્ષની હતી. સગીર વયની ઉંમરે જ પીડિત પત્ની સાથે શિક્ષક અર્જુનસિંહે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ પીડિત પત્નીનો બે વખત ગર્ભપાત પણ કરાવ્યો. છેવટે પીડિતાએ તેની માતાને સમગ્ર હકીકત કહેતા બોટાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.
પીડિત પત્ની સાથે મારઝૂડ કરી અને માનસિક ત્રાસ આપ્યો
જ્યાં શિક્ષકે પીડિતા સાથે સમાધાન કરી તેની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના એક જ વર્ષમાં પીડિત પત્ની સાથે અર્જુનસિંહ અને તેના પરિવારના સભ્યોએ મારઝૂડ કરી અને તેને માનસિક ત્રાસ આપતા પીડિતા તેના ઘરે આવી ગઈ. ત્યારબાદ પીડિત પત્નીને જાનથી મારી નાખવાની ધમકી મળતા તે વડોદરા દોડી આવી હતી.
અર્જુનસિંહની ઓળખાણ હોવાથી મામલો દબાવી દેવાનો પ્રયાસ?
ત્યારબાદ પતિ સામે દુષ્કર્મ, માનસિક, શારીરિક ત્રાસની ફરિયાદ પોલીસ કમિશનર અને મહિલા પોલીસ સ્ટેશનમાં આપી હતી. મહિલા પોલીસે પીડિત પત્ની ના પતિ અર્જુનસિંહને નિવેદન લેવા માટે વડોદરા બોલાવ્યો છે. પરંતુ હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી. પીડિત પત્ની પોલીસ પાસે પતિને કડક સજા કરવાની માંગ કરી રહી છે. સાથે જ તેનો પતિ મોટી ઓળખાણ ધરાવતો હોવાથી પોલીસ પર દબાણ લાવતો હોવાનો આક્ષેપ પણ કરી રહી છે. પીડિત પત્નીના પતિને સમગ્ર મામલે પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને કેમેરા સામે કંઈ પણ કહેવાની ના પાડી.