બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / અમદાવાદના મહિલા બન્યા છે સંખ્યાબંધ મહિલાઓની આંખો, 50થી વધારે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને પૂરી પાડે છે રોજગારી
Nidhi Panchal
Last Updated: 01:44 PM, 7 August 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
દુષ્યંત કુમારની આ પંક્તિઓ મારી પર્સનલી ખૂબ જ ફેવરિટ છે. જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે, ત્યારે ત્યારે આ પંક્તિઓ મને નવું જોમ અને જુસ્સો પુરો પાડે છે. પરંતુ હવે હું એક એવા વ્યક્તિને મળી છું, જેને મળ્યા પછી જોમ, જુસ્સો, મોટિવેશન માટે મારે કદાચ આવી કોઈ પંક્તિઓની જરૂર નથી. તેમની સાથે થયેલી મુલાકાત જ હંમેશા મને પ્રેરણા પૂરી પાડતી રહેશે. વાત છે, 50 વર્ષના સરલાબેન ત્રિવેદીની. જેમને કુદરતે જન્મજાત એક એવી ખામી આપી છે, જેને કારણે તેઓ દુનિયાને જોઈ શક્તા નથી. કદાચ જો થોડીવાર પણ આપણી આંખમાં કંઈ પડી જાય, તો આપણે હાંફળા ફાંફળા થઈ જઈ છીએ. પરંતુ સરલાબેન ત્રિવેદી પોતાના જીવનના પહેલા દિવસથી એક એવી મુશ્કેલી સાથે જીવી રહ્યા છે, જે તેમને કેમ આવી છે, તે સવાલનો કોઈ જવાબ નથી.
પરંતુ કેટલાક વ્યક્તિઓ એટલા અડગ મનના હોય છે, કે તેઓ મેરુ પર્વતને પણ ચળાવી દે છે. આપણા સરલાબેન ત્રિવેદી પણ એવા જ છે. પ્રજ્ઞાચક્ષુ સરલાબેને એવા કામ કરી બતાવ્યા છે, જેનાથી કદાચ એકવાર કુદરતનેય પોતાની પર સવાલ થાય કે આમને આવી ખામી કેમ મળી. સરલાબેન પોતે તો પ્રજ્ઞાચક્ષુ હોવા છતાંય રોજગારી મેળવી જ રહ્યા છે, પરંતુ તેમણે પોતાના હાથ નીચે 50 પ્રજ્ઞાચક્ષુ બહેનોને તૈયાર કરી છે, જેઓ ઘરે બેઠા રોજગારી મેળવી રહ્યા છે. આત્મનિર્ભર બનેલા સરલાબહેન મોટિવેશનનું જીવતું જાગતું ઉદાહરણ છે.
મારા અને તમારા જેવા નવી જનરેશનના લોકો જ્યાં બોસ ખખડાવી દે કે પછી જીવનમાં કોઈ ધાર્યું કામ ન થાય, તો પણ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, ત્યાં સરલાબહેને પોતે જોઈ નથી શક્તા એ વાત ભુલાવીને જીવનને સ્વીકારીને જીવન જીવવાના સોરી, જીવવાના નહીં જીવન ઉજવવાના રસ્તા શોધી લીધા છે. સૌથી પહેલા તો સરલાબહેને પોતે રાખજી બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું, રોજગારી મેળવતા થયા. સરલાબેન ત્રિવેદીએ અંધજન મંડળમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે 9 વર્ષ સુધી સેવા આપી હતી. અંધજન મંડળમાં તેમણે આત્મનિર્ભર રહીને જાતે જ રાખડી બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. જો કે, આ સફર આસાન નહોતી, સરલાબહેનના જ શબ્દોમાં સમજીએ તો,'પહેલા તો ખૂબ જ તકલીફ પડતી અને મહેનત લાગી હતી શીખતા. પરંતુ કહેવત છે ને મન મક્કમ હોય માળવે જવાય. એ જ પ્રકાર થોડા સમય બાદ ફક્ત સ્પર્શ કરીને જ તેઓ રાખડી બનાવતા શીખી ગઈ.' બાદમાં તેમણે પોતાના વ્યવસાયની શરૂઆત કરી.
જો કે, તેઓ માત્ર પોતાનું જ કામ પાર પાડીને ન અટક્યા. તેમને પોતાની જેવી બીજી પ્રજ્ઞાચક્ષુ બહેનોનો વિચાર આવ્યો. સરલાબહેનનું કહેવું છે કે,'મને તક મળી, મેં મહેનત કરીને મારો રસ્તો કરી લીધો. પરંતુ એવી સંખ્યાબંધ મહિલાઓ હશે, જેમને મારા જેવી સમસ્યા હશે, તેમને કોઈ ટેકો નહીં કરતું હોય, તેમને કોઈ તક નહીં મળતી હોય તો?' આ વિચારને કારણે સરલાબહેને પોતાના જેવી બહેનોને રાખડી બનાવતા શીખવવાનું શરૂ કર્યું. દ તેમણે એક નહિં પરંતુ 50 કરતા બહેનોને આત્મનિર્ભર બનાવી અને રોજગારી આપી છે અને અત્યારે તેમની સાથે સફળતાપૂર્વક છૂટથી પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે.
સરલાબેન ત્રિવેદી સાથે રાખડી બનાવવાના વ્યવસાય સાથે 50 થી 60 અંધ મહિલાઓ જોડાયેલી છે. બહેનો દરરોજની 500-600 રાખડીઓનું ઉત્પાદન કરે છે. અને આખા વર્ષમાં 40 હજારથી પણ વધારે રાખડીનું વેચાણ કરે છે. રાખડી વેચીને જે પણ કમાણી થાય છે તે કમાણી આ બહેનોને આપવામાં આવે છે આ રીતે સરલાબેન અંધ બહેનોને તેમના વ્યવસાયમાં મદદ કરે છે. સરલાબેન અને તેમનું મહિલા મંડળ દ્વારા 15 રૂપિયાથી 1 હજાર રૂપિયા સુધીની રાખડીઓ બનાવે છે, સરલાબેન અન્ય અંધ બહેનોને રાખડી બનાવવાની અને વેચવાની પ્રક્રિયા વિશે સૂચના અને માર્ગદર્શન આપે છે. અને ત્યાર બાદ તે બહેનનો ઘરેથી જ પોતાનો વ્યવસાય કરે છે.
પહેલા તો સરલાબહેન પોતે રાખડી બનાવતા શીખ્યા, 50થી વધુ બહેનોને રોજગારી આપી. પરંતુ તેઓ હજી ન તો થાક્યા છે ન તો અટક્યા છે. એક સામાન્ય વ્યક્તિ જે રીતે પોતાના બિઝનેસને આગળ વધારવાનું વિચારે તે જ રીતે સરલાબહેન પણ સતત વિચારી રહ્યા છે કે તેમના મહિલા મંડળને વધુને વધુ ફાયદો કેવી રીતે થાય? એટલે જ તેઓ જ્યાં શક્ય હોય ત્યાં પ્રજ્ઞાચક્ષુ બહેનોને રાખડી વેચવાનો સ્ટોલ રાખવામાં પણ મદદ કરે છે, જેથી તેમની આવક વધી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.