Rajkot man who awares people not to wear helmet talks about his opinion
EXCLUSIVE /
રાજકોટના પ્રતાપસિંહ લોકોને હેલ્મેટના કાયદાનો ભંગ કરવાનું કહેવા 14 કીમી ચાલે છે, જાણો તેમના તર્ક
Team VTV08:30 PM, 17 Nov 19
| Updated: 04:35 PM, 06 Oct 20
ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટ 2019ના અમલીકરણ પછી પ્રજામાં હેલ્મેટ PUC જેવા નિયમોમાં વધી ગયેલા દંડની રકમ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટનો આ યુવાન હેલ્મેટ વિરોધી જાગૃતિ અભિયાન ચલાવે છે. "જનતા જાગે, હેલ્મેટ ભાગે"ના સૂત્ર હેઠળ આ યુવક દર અઠવાડિયે બુધવારે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 14 થી 15 કિમીની પદયાત્રા કરીને હેલ્મેટના કાયદાનો સવિનય કાનૂનભંગ કરવા લોકોને જાગૃત કરે છે.
ખાનગી પેઢીમાં નોકરી કરી રહેલા રાજકોટના પ્રતાપસિંહ દાદભા જાડેજા પોતાની જાતને રાજકોટના સામાન્ય નાગરિક તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. તેમણે 'VTVGujarati.com' સાથે સીધી ટેલિફોનિક ચર્ચા કરી હતી.
શું છે પ્રતાપસિંહની પ્રવૃત્તિ?
પ્રતાપસિંહ દર અઠવાડિયે બુધવારે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 14 થી 15 કિમીની પદયાત્રા કરીને હેલ્મેટના કાયદાનો સવિનય કાનૂનભંગ કરવા લોકોને જાગૃત કરે છે. તે પોતાના ગળે અને બાઈકો ઉપર "જનતા જાગે, હેલ્મેટ ભાગે", "HELMET GO BACK", "તાનાશાહી બંધ કરો", "લૂંટમારી બંધ કરો" "PUC = પબ્લિકને ઉલ્લુ બનાવતું સર્ટિફિકેટ" વગેરે જેવા લખાણ લખેલા બેનર લટકાવે છે.
પ્રતાપસિંહ કહે છે કે તેઓ એકલા જ ફરવું પસંદ કરે છે અને લોકો તેમની સાથે જોડાવાનો આગ્રહ ખુબ કરે છે પરંતુ લોકોનું ટોળું તેમની સાથે જોડાય તેમ ઇચ્છતા નથી કારણ કે લોકોને સાથે રાખવા રેલીની મંજૂરી લેવી પડે તેમ છે જે મંજૂરી અઘરી છે. જો મંજૂરી મળી પણ જાય તો પણ રેલીના અંતમાં કલેકટરને આવેદન પત્રક જમા કરાવવું સમયનો બગાડ છે કારણ કે તેમના મતે કલેક્ટર આખરે તો તે આવેદનપત્રક ફેંકી જ દે છે.
શું છે પોલીસ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓનો અભિગમ?
પ્રતાપસિંહનું એવું માનવું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ભાજપના નેતાઓ અંદરખાને લોકોનો આક્રોશ સમજે જ છે પરંતુ શહેરના ટ્રાફિક અધિકારીઓને ઉપરથી આદેશ આવેલા છે જેનું તેમણે પાલન કરાવવું પડે છે. શહેરના સ્થાનિક MLA અને MP પ્રજાની નારાજગી સારી પેઠે જાણે છે અને તેઓ "ઉપર વાત કરીશું" એવા ઠાલા આશ્વાસન આપ્યા કરે છે.
મુખ્યમંત્રીનું તેમના પોતીકા શહેર માટેનું આ વલણ આઘાતજનક
પ્રતાપસિંહને આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ જિલ્લાના સાંસદ અને શહેરના MLAનું મૌન ખુબ કઠી રહ્યું છે. તેમનો આક્ષેપ છે કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને ખુશ રાખવા માટે રાજ્યની પ્રજાને રંજાડી રહી છે. તેમનો એમ પણ ગંભીર આરોપ છે કે આ દંડની વધેલી રકમ અને તેમનું કડક પાલન કરીને વસુલ કરેલ રકમ વડે ગુજરાત સરકાર તેમની બજેટની ખાધ પૂર્વનો પ્રયત્ન કરી રહી છે.તે લોકોને સમજાવા માંગે છે કે કેન્દ્ર સરકાર કોઈ ભગવાન નથી અને તેમને પણ આપણે પ્રજા એ ચૂંટીને મોકલ્યા છે.
પ્રતાપસિંહ કહે છે કે રાજકોટની પ્રજાની સરેરાશ રોજી દૈનિક 500 રૂપિયા ગણી શકાય. એવામાં આવા જંગી દંડ પ્રજાની કમર તોડી નાખે છે.
કેમ હેલ્મેટનો આટલો વિરોધ કરી રહ્યા છે?
પ્રતાપસિંહના મતે હેલ્મેટ અકસ્માત ઘટાડવા કરતા વિપરીત વધારવા માટે જવાબદાર છે. મહિલાઓ એવી ફરિયાદ કરે છે કે હેલ્મેટ પહેરવાથી તેમનું ડાબી અને જમણી બાજુનું વિઝન કપાઈ જાય છે જેથી સાઈડમાંથી ટક્કર થવાની શક્યતા વધી જાય છે. મોટી વયના લોકો હેલ્મેટના વજનથી પરેશાન છે. ગરીબ લોકો એક જ બાઈક એક થી વધુ મિત્રો વાપરે તેવી વ્યવસ્થા રાખતા હતા જયારે હવે નવા દંડમાં કોઈ બીજાને બાઈક આપવા તૈયાર થતું નથી.
રાજકોટ એક ગરમ શહેર છે. ગુજરાતમાં તે પ્રમાણમાં એક નાનું સેન્ટર છે. અહીં સાંકડા રસ્તાઓ હોવાથી 30 કિમીથી વધુની ઝડપે બાઈક હાંકવી મુશ્કેલ છે. આવા સમયે નાના અંતર સુધી જવા માટે હેલ્મેટ રાખીને ક્યાં ફરવું એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે.
શું આ વિદેશનું આંધળું અનુકરણ છે?
પ્રતાપસિંહનું માનવું છે કે સરકારે યુરોપ અને અમેરિકામાં ચાલતી બાઈકો અને તેના હેલ્મેટ પહેરેલા બાઈક સવારોને જોઈને આ નિર્ણય લીધો છે. પરંતુ અહીં નોંધનીય છે કે યુરોપ અને અમેરિકાની વસ્તી ખુબ ઓછી છે. અહીં પહોળા રસ્તા ઉપર બાઇકચાલકો ઓછો ટ્રાફિક હોવાથી બેસુમાર ઝડપે બાઈક હાંકે છે. ત્યાંનું વાતાવરણ પણ ઠંડુ અને હેલ્મેટને અનુરૂપ છે. આપણા દેશમાં એવા રસ્તા, વાતાવરણ કે યુરોપમાં બાઇકચાલકને મળતી કોઈ સગવડો નથી. એવા સમયે અહીં હેલ્મેટનો અમલ કરાવવો અવ્યવહારુ છે.
સ્થાનિક પોલીસ અંદરખાને આ પગલું આવકારે છે
પ્રતાપસિંહે જણાવ્યું કે રસ્તા ઉપર તેમને એવા ટ્રાફિક કર્મચારીઓ મળ્યા જેમણે પ્રતાપસિંહને તેમની આ ઝુંબેશ માટે અભિનંદન પાઠવ્યા. અલગ અલગ લોકો આ ઝુંબેશનો ભાગ બનવા માંગે છે પણ તેમને સરકારની સામે પડતા ડર લાગે છે.
શું અકસ્માતોમાં ફક્ત બાઈક સવારો જ મરે છે?
પ્રતાપસિંહ આક્રોશ સાથે કહે છે કે રાજ્યમાં STની બસો ઓવરલોડમાં મુસાફરો ભરે છે. રસ્તે ચાલતા અને સાઇકલ સવારો પણ અકસ્માતને ભેટે છે પણ નિયમ ફક્ત બાઈક માટે છે. આ હેરાનગતિ પાછળની એક શક્યતા રજુ કરતા પ્રતાપસિંહ કહે છે કે બાઈક ચાલક એક સોફ્ટ ટાર્ગેટ છે. ઘરે થી ઓફિસ કે ઘરવખરીની ચીજવસ્તુ ખરીદવા જઈ રહેલા માણસને પોલીસ વડે રોકવો સહેલો છે.
રાજકોટ શહેરમાં મોટા પ્રમાણમાં પોલીસને તેમના રોજિંદા કામો છોડીને ખાલી દંડ વસૂલવા માટે તહેનાત કરી દેવાઈ છે અને શહેરીજનો પાસેથી વિક્રમજનક દંડનો આંકડો વસૂલાઈ રહ્યો છે. પ્રતાપસિંહના મતે આ દર્શાવે છે કે સરકારનો હેતુ લોકોની સુરક્ષા કરવી નહિ પણ ફક્ત દંડની રકમ ઉઘરાવવી છે એમ સ્પષ્ટ થાય છે.
હેલ્મેટ મરજિયાત હોવી જોઈએ
પ્રતાપસિંહ આ માટે તમાકુનું ઉદાહરણ આપીને જણાવે છે કે જેમ તમાકુના પેકેટ ઉપર તેનાથી કેન્સર થાય છે એવી ચેતવણી લખેલી હોય છે તે જ બાબત હેલ્મેટમાં લાગુ પડે છે. સરકાર ઈચ્છે તો તમાકુ પણ પ્રતિબંધ કરી શકે છે પણ તેમ કરવાથી તેમને મળતો જંગી ટેક્સ બંધ થઇ જાય આથી સરકાર હેલ્મેટના કાયદા લાવે છે જેનાથી દંડ મેળવી શકાય તેવો તેમનો આક્ષેપ છે.
આવતી ચૂંટણીમાં પ્રજા સરકારને જવાબ આપશે
પ્રતાપસિંહને વિશ્વાસ છે કે પ્રજાના આટલા મોટા અવાજની સામે સરકારને ઝુકવું પડશે અને હેલ્મેટનો કાયદો મરજિયાત કરવો પડશે પણ જો એમ નહિ થાય આગામી ચૂંટણીમાં પ્રજા પોતાની શક્તિનો પરચો બતાવીને રહેશે એમ તેમનું કહેવું છે.