Rajkot DGFT class one officer Javarimal Bishnoi's family refuses to accept body
રાજકોટ /
DGFTના અધિકારીની આત્મહત્યાઃ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, કહ્યું- CBIના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરો
Team VTV01:46 PM, 26 Mar 23
| Updated: 02:08 PM, 26 Mar 23
રાજકોટ DGFTના ક્લાસ વનના અધિકારી જાવરીમલ બિશ્નોઈનો મૃતદેહ સ્વીકરવાનો પરિવારે ઇનકાર કર્યો છે. પરિવારજનો CBIના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
અધિકારીના આપઘાતને લઇ રોષ યથાવત્
પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર
સિવિલમાં મૃતકના પરિજનોએ કર્યો વિરોધ
રાજકોટ DGFTના ક્લાસ વનના અધિકારીએ આપઘાત કરી લેતા રાજકોટ સિવિલ ખાતે પરિવારજનો એકઠા થયા છે. પરિવારજનોએ જાવરીમલ બિશ્નોઈનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારજનોએ કહ્યું કે, ઈન્ટ્રોગેટ અધિકારીઓ સામે FIR થાય તો જ મૃતદેહ સ્વીકારાશે.
...ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાયઃ વકીલ
રાજકોટ જાવરીમલ બિશ્નોઈ આપઘાત મામલે વકીલ અભિજિત મિશ્રાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, કોઈના કહેવાથી તેમના વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે. મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવે તેવી વકીલે માગ કરી છે. સાથે જ તેઓએ જણાવ્યું છે કે, CBIના અધિકારીઓ સામે કાર્યવાહી કરાયા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવશે. તો મૃતકના નાના ભાઈએ કહ્યું કે, CBIએ મારા ભાઈને મારી નાખ્યો છે, સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ હેઠળ તપાસ કરવામાં આવે તેવી અમારી માગ છે.
CBIના DIG પહોંચી ચૂક્યા છે રાજકોટ
રાજકોટમાં DGFTના અધિકારી લાંચ અને આત્મહત્યા મામલે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે. ત્યારે સીબીઆઈનાં ડીઆઈજી સુપ્રિયા પાટીલ મોડી સાંજે રાજકોટ પહોંચ્યા હતા. સમગ્ર મામલે સીબીઆઈ પ્રાથમિક વિગતો મેળવશે. ત્યારે હજુ લાંચ મામલે 2 લોકર ખોલવાનાં બાકી છે. પાડોશી ફ્લેટમાંથી પણ મોટી રકમ મળી આવી છે. સમગ્ર મામલે અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમજ સમગ્ર ઘટનાને લઇ વિગતો મેળવશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 25, 2023
શું છે સમગ્ર મામલો?
રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જાવરીમલ બિશ્નોઇને રૂપિયા 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા.
ફોરેન ટ્રેડના જવરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.5 લાખ આપવાનું પણ વેપારીને કહેવાયું હતું. વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરી હતી. જેથી સીબીઆઈએ ગુનો દાખલ કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ફરિયાદી 5 લાખ રૂપિયા આપવા પહોંચ્યા હતા. જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારતા જ CBIની ટીમ પહોંચી ગઈ હતી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ ઓફિસના ચોથામાળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.