વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા 14 મેના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજીવ કુમાર તેમના પછી 15 મેના રોજ કાર્યભાર સંભાળશે.
દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર
15મેના રોજ સંભાળશે ચાર્જ
18ફેબ્રુઆરી 2025 સુધી સંભાળશે આ પદ
દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર હશે. તેઓ 15 મેના રોજ ચાર્જ સંભાળશે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર 14 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજીવ કુમારની નિમણૂકને લઈને કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજીવ કુમારની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા 14 મેના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજીવ કુમાર તેમના પછી 15 મેના રોજ કાર્યભાર સંભાળશે.
કોણ છે રાજીવ કુમાર ?
રાજીવ કુમાર 1984 બેચના IAS છે. 2 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર કુમાર 15 મે 2022 થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. 19 ફેબ્રુઆરીના રોજ તેમના 65મો જન્મ દિવસ છે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
વિવિધ મંત્રાલયોમાં કર્યુ છે કામ
ભારત સરકારમાં 36 વર્ષથી વધુની સેવા દરમિયાન રાજીવ કુમારે કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં અને બિહાર, ઝારખંડના રાજ્યની કેડરમાં કામ કર્યુ છે. તેઓ B.Sc, LLB, PGDM અને MA પબ્લિક પોલિસીની શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે. રાજીવ કુમારને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને જંગલો, માનવ સંસાધન, નાણાં અને બેંકિંગ ક્ષેત્રોમાં બહોળો કાર્ય અનુભવ છે.
ભારતીય શાસ્ત્રીય-ભક્તિ સંગીતમાં ધરાવે છે રસ
પ્રવર્તમાન નીતિ પ્રણાલીમાં વધુ પારદર્શિતા, ટેક્નોલોજી એપ્લીકેશનની ડિલિવરી તરફ સુધારા લાવવા તેમની ઊંડી પ્રતિબદ્ધતા છે. રાજીવ કુમાર ફેબ્રુઆરી 2020 માં ભારત સરકારના નાણાં સચિવ તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ તેઓ એપ્રિલ 2020 થી 31 ઓગસ્ટ 2020 ના રોજ કાર્યાલય છોડ્યા સુધી તેઓની જાહેર સાહસ પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજીવ કુમાર 2015 થી કર્મચારી અને તાલીમ વિભાગના સ્થાપના અધિકારી પણ છે. રાજીવ કુમાર ભારતીય શાસ્ત્રીય અને ભક્તિ સંગીતમાં ઊંડો રસ ધરાવે છે.