આ મંદિરમાં પૂજા-આરતી સાથે નહીં પરંતુ પોલીસની સલામીથી ખૂલે છે દ્વાર

By : juhiparikh 05:09 PM, 14 June 2018 | Updated : 05:09 PM, 14 June 2018
તમે મંદિરમાં જાઓ? તો શું કરો છો? તમારો જવાબ હશે માથું નમાવો છો, પૂજા કરો છો અને ત્યારબાદ આરતીમાં શામેલ થાઓ છો. દુનિયાના મોટાભાગના મંદિરમાં મંદિરોમાં સવાર-સાંજ ભગવાનની પૂજા-આરતી કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો, ભારતમાં એક એવું મંદિર છે જ્યાં આરતી નહીં પરંતુ ભગવાનને પોલીસ સલામી આપે છે. અહીં શ્રીરામને ભગવાન નહીં પરંતુ રાજા જેવું સન્માન આપવામાં આવે છે.

મધ્યપ્રદેશના ઝાંસી પાસે ઓરછા નામનું એક નાનકડું ગામ છે. બુંદેલખંડના ઈતિહાસને પોતાનામાં સમેટીને બેઠેલું આ ગામ મધ્યપ્રદેશ ટૂરિઝમનો મહત્વનો ભાગ છે. અહીં આવેલું ભગવાન શ્રીરામનું મંદિર ‘રામ રાજા મંદિર’તરીકે પ્રસિદ્ધ છે.આ મંદિર વિશે ઘણી વાર્તા અને દંતકથાઓ પ્રચલિત છે. અહીં રામજીને રાજા તરીકે પૂજવામાં આવે છે. માન્યતાછે કે, ભગવાન રામ અહીંયા રાજા છે.  અહીં દર્શનના પટ ખુલતાની સાથે જ પોલીસ દ્વારા સલામી આપવામાં આવે છે. ત્યારબાદ જ ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં એક એવી માન્યતા પ્રચલિત છે કે, ભગવાન શ્રીરામને ઓરછા એટલું પ્રિય છે કે, તેઓ રાત્રે અયોધ્યામાં રોકાય છે અને સવાર થતા જ ઓરછામાં પાછા આવી જાય છે. આ મંદિરમાં રામ રાજા ઉપરાંત સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ પણ છે.

કેવી રીતે પહોંચશો?
જો તમે ઓરછા જવા ઈચ્છો છો તો ઝાંસી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. જ્યાંથી તમે લોકલ કેબ,ટેક્સી કે બસ દ્વારા મંદિર પહોંચી શકો છો. આ ઉપરાંત ફ્લાઈટથી જવા માટે ખજૂરાહો સૌથી નજીકનું એરપોર્ટ છે.ફરવા માટે બેસ્ટ સમય:
આ સ્થળની વિશેષતા એ છે કે, તમે અહીં વર્ષના ગમે તે સમયગાળા દરમિયાન આવી શકો છો. તમને અહીં દરેક સીઝનમાં એક જેવી જ અનુભૂતિ થશે.

જોવાલાયક સ્થળ:
અહીં મંદિર ઉપરાંત તેની આજુબાજુ આવેલા જૂના કિલ્લા અને ઈમારતો પણ ખૂબ જ વૈવિધ્યસભર વારસો ધરાવે છે. જો તમને ઈતિહાસ અને કિવદંતિઓ જાણવામાં રસ છે તો તમારે આ સ્થળોની મુલાકાત જરૂર લેવી જોઈએ.Recent Story

Popular Story