રાજ્યમાં ઉનાળામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. તો બીજી બાજુ ગઈકાલ રાતથી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી
વેસ્ટન ડિસ્ટબનર્સને કારણે રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ
મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
આ વર્ષે રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે. જ્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યભરમાં અચાનક આવેલા વાતવરણમાં પલટા બાદ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
બાપુનગર, બોપલ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેરના નિકોલ, નરોડા, ઈસનપુર, ઓઢવ, વિરાટનગર, બાપુનગર, આસ્ટોડિયા, લાલદરવાજા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ વખતે તાપ અને હિટવેવની જગ્યાએ માવઠાનો માર લોકોને ભિંજવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 1 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. મોડાસા તેમજ આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગીર સોમનાથમાં મોડી રાતથી વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ થયો છે. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસતા સ્થાનિકોને ભરઉનાળે ચોમાસું યાદ આવી ગયું હતું.
સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઇડર, વડાલી, હિંમતનગર, ખેડબ્રહ્મા તાલુકામાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. મધ્ય રાત્રિએ વીજ કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.
મહીસાગરમાં કેરીના પાકને વ્યાપક નુકસાન
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા સહિત ધામોદ, લાલસર, વખતપુરમાં વરસાદ વરસી રહ્યો છે. વરધરી તેમજ અન્ય તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા કેરીના પાકને વ્યપાક નુકસાન થયું છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
દ્વારકા જિલ્લાના વાતવરણમાં આવ્યો પલટો
દ્વારકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તાવરણમાં આવેલ પલ્ટા બાદ દ્વારકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબકતા રસ્તાઓ ભીના થયા હતા. કમોસમી વરસાદ વરસતા શહેરના માર્ગો પર પાણી વહેતા થયા હતા.
આજે અહીં ખાબકી શકે છે વરસાદ
રાજ્યમાં ફરી કમોસમી વરાસદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં વરસાદની આગાહી છે.