Rain will call for thunderstorm in Gujarat for next 5 days, in the last 24 hours in 108 talukas of Gujarat
મેઘો મંડાયો /
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 108 તાલુકામાં મન મૂકીને વરસ્યો વરસાદ
Team VTV07:59 AM, 27 Jun 22
| Updated: 08:03 AM, 27 Jun 22
અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ચોમાસું જામી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદ પડવાની શક્યતા છે
રાજ્યમાં જામતું ચોમાસું
હવામાન વિભાગની આગાહી
5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અુસાર રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી
રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં ધીમે ધીમે ચોમાસું જામ્યુ
આ સાથે 28 જૂનના રોજ ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં સારબકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 29 જૂનના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, અમદાવાદ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ 30 જૂનના રોજ જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી રાજ્યના 11 તાલુકામાં વરસાદની એન્ટ્રી થઇ નથી..
અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.5 ઈંચ, ધરમપુરમાં સવા 2 ઈંચ, જાંબુઘોડામાં 2 ઈંચ, સોનગઢમાં પોણ 2 ઈંચ, ચીખલીમાં પોણા 2 ઈંચ, ધોળકામાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ગોધરામાં 1.5 ઈંચ, ફતેપુરામાં 1.5 ઈંચ, લાલપુરમાં સવા ઈંચ, કુતિયાણામાં સવા ઈંચ, આણંદમાં સવા ઈંચ, વિરમગામમાં સવા ઈંચ વરસાદ, કઠલાલમાં 1 ઈંચ, ગળતેશ્વરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ ગત મોડી સાંજે રાજ્ય સહિત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં. તો વળી આ તરફ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો હતો. અને આગામી દિવસોમાં
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..