Rain spoils second day's fun, India on the field with 62 runs for the loss of 2 wickets in Brisbane Test
ક્રિકેટ /
બીજા દિવસની મજા વરસાદે બગાડી, બ્રિસ્બેન ટેસ્ટમાં ભારત 2 વિકેટના નુકસાન પર 62 રન સાથે મેદાનમાં
Team VTV02:22 PM, 16 Jan 21
| Updated: 02:25 PM, 16 Jan 21
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 369 રનનો સ્કોર નોંધાવ્યો હતો, આ સેશનમાં ભારત માટે ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને વોશિંગટન સુંદરે 3-3 વિકેટ લીધી હતી, અને ઓસ્ટ્રેલિયન કેપ્ટ્ન ટિમ પેઈને 50 રન ફટકાર્યા હતા.
બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 369 પર ઓલઆઉટ
ટી ટાઈમના બ્રેક સુધી ભારતના 2 વિકેટે 62 રન
35 ઓવરની રમત વરસાદના લીધે ધોવાઈ ગઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ટેસ્ટના બીજા દિવસે ભારતે 2 વિકેટના નુકસાન પર 62 રન બનાવી લીધા હતા, જો કે ટી ટાઈમના બ્રેક પછી બ્રિસ્બેનમાં વરસાદ શરુ થઇ ગયો હતો, જે અટક્યો નહોતો અને મેચ ફરીથી શરુ થઇ શકી નહોતી.આમ વરસાદના લીધે મેચના 35 ઓવરની રમત ધોવાઈ ગઈ હતી.
ભારત તરફથી ઓપનર શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારતીય ઇનિંગની શરૂઆત કરી હતી, જો કે ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે ભારતને શરૂઆતી ઝટકો આપતા તેની પહેલી જ ઓવરના બીજા બોલ પર શુભમન ગિલને આઉટ કર્યો હતો અને 7 ઓવરની સમાપ્તિ પછી ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 11 રનનો હતો.
પૂજારા સાથે રોહિતે બીજી વિકેટની પાર્ટનરશિપ માટે 49 રન જોડ્યા
શુભમન ગિલ (7) આઉટ થયા પછી રોહિત શર્માએ ચેતેશ્વર પૂજારા સાથે મળીને બાજી સંભાળી લીધી હતી અને 2જી વિકેટની ભાગીદારી માટે 49 રન જોડ્યા હતા, જો કે ત્યાં જ ઓસ્ટ્રેલિયન બોલર નાથન લિયોન ત્રાટક્યો હતો અને પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ઓપનર રોહિત શર્માને તેની અડધી સદી પૂરી કરવા દીધી નહોતી, રોહિત શર્મા મિશેલ સ્ટાર્કના હાથે કેચ થઈને તેની વિકેટ ગુમાવી બેઠો તે પહેલા 74 દડામાં 6 ચોક્કાની મદદથી 44 રન નોંધાવ્યા હતા જો કે તે તેની ફિફટી પૂરી કરી શક્યો નહોતો.
ટી ટાઈમમાં જ્યારે રમત રોકાઈ, ત્યારે ભારત તરફથી ચેતેશ્વર પૂજારા 8 રન અને કેપ્ટ્ન અજિંક્ય રહાણે 2 રનના સ્કોર સાથે ક્રિઝ પર હતા, જો કે વરસાદ શરુ થઇ જતા 35 ઓવરની રમત ધોવાઈ ગઈ હતી, અને હવે રવિવારે ભારતીય સમય મુજબ સવારે 5.00 વાગ્યાથી ત્રીજા દિવસની રમત શરુ થઇ જશે.