Meteorological department's rain forecast: ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે, હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીંવત છે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના
આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાશે
ગુજરાતમાં વરસાદની આગાહીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસું છેલ્લા 10 દિવસથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગત 4 ઓગસ્ટ બાદથી વરસાદનું પ્રમાણ સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35 ટકા જેટલા વરસાદની ખોટ પડી છે. આ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આજથી બેસી ગયું મઘા નક્ષત્ર
ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ હોય છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી કૃષિ પાક અને તેના સંગ્રહ કરવા માટે ઉત્તમ ગણાય છે. મઘા નક્ષત્ર અંગે કહેવત છે કે જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા. મઘા વરસાદથી ધરતી ધરાઈ જાય છે એટલે મઘા નક્ષત્ર વરસે તો પાછળના ચાર નક્ષત્ર પણ થોડા ઘણા અંશે વરસે છે. આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. એટલે જરાતમાં વરસાદ થવાની સંભાવના ઉભી થઈ છે.
7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાશે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને પોરબંદરમાં પણ પવન સાથે વરસાદ પડશે.
ભારે વરસાદની સંભાવના નહીંવત્
દક્ષિણ ગુજરાત અંગે આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધીમીધારે વરસાદ રહેશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીંવત્ છે. જ્યારે ઉત્તર ભારતમાં વરસાદી ટ્રફને કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન નિષ્ણાંતોએ પણ કરી છે આગાહી
હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ પણ વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થવાનું હોવાથી વાતાવરણમાં પલટો જોવા મળશે. ઓગસ્ટના છેલ્લા દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવાના છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે.