ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે માવઠાની આગાહી કરવામાં આવી છે અને સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાશે તેવું અનુમાન છે.
કાલે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
રાજ્યમાં થશે બેવડી ઋતુનો અનુભવ
ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્જાયુ છે સર્કયુલેશન
દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ધીમે ધીમે હવે શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે ત્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્કયુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુની આગાહી કરવામાં આવી છે.
ડાંગ, નર્મદા, વલસાડ, તાપીમાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાશે
દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નર્મદા, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે.
રાજકોટ શહેરમાં આજે ધુમ્મસભર્યુ વાતાવરણ
આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્યાં સૌરાષ્ટ્રમાં અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું હતું જેમાં વિઝીબીલીટી 100 મીટરથી પણ ઓછી જોવા મળી. આ કારણથી વાહનચાલકો પરેશાન થયા હતા.