ગુજરાતમાં હજુ વરસાદી સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હજૂ રહેશે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચન આપ્યું છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
10 સપ્ટેબર બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે
નોંધનીય છે કે, 10 સપ્ટેબર બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે. દરિયાકાંઠાનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સુચન આપ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યભરમાં મેઘ મહેર
સમગ્ર રાજ્યમાં વરસતા વરસાદની જો વાત કરીએ તો અમરેલીનાં રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ભારે વરસાદ થતાં આગરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજુલાનાં નવા આગરિયા, માંડરડી, જાપોદર સહિત ગામમાં વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદ થતા નદીમાં નવા નીર આવ્યાં છે. પોરબંદરનાં બરડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા ડુંગર વિસ્તારમાં પાણી ભરાયા છે. ડુંગર પરથી પાણી કાટવાણા ગામમાં ઘૂસ્યાં છે. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.
ઠેર-ઠેર નદીઓમાં ઘોડાપૂર
અમરેલીનાં ખાંભામાં ધોધમાર વરસાદ થતા ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદ થતા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. પાણીનાં પ્રવાહનાં કારણે વીજપોલ પણ ધરાશાયી થયાં છે.
બીજી બાજુ ગીરના જંગલોમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા તાલાળામાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદનાં કારણે હિરણ-2 ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમનાં દરવાજા ખોલ્યાં બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગઈ કાલ સાંજથી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર જળબંબાકાર થયો છે. ખાસ કરીને તાલાલા કોડીનાર અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા તાલાલાની સરસ્વતી નદી અને કોડીનારની શિંગોડા નદી છલકાઇ છે. ફરી એક વખત તાલાલા-પ્રાચી, તાલાલા-વેરાવળ સહિતનાં રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ્પ થયો. તાલાલાનાં વાડલા ગામે કાર સાથે એક વ્યક્તિ તણાયો છે તો ખેડૂતોનાં ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
તો ગીર જંગલના ઉપરવાસમાં મુશળધાર વરસાદનાં કારણે કોડીનારનો શીંગાડો ડેમ,ઉનાનો રાવલ અને મચ્છુન્દ્રી, તાલાલાનો હિરણ 2 અને સાસણનો કમલેશ્વર ડેમ ઓવર ફ્લો થયા છે. શિંગોડા ડેમના દરવાજા ખોલતા અને ગીરમાં વધુ વરસાદના કારણે કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યા છે. જેના કારણે કોડીનાર વેરાવળને જોડતા બ્રિજ પર મોટા પ્રમાણમા પાણી ફરી વળ્યું છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે. વેરાવળના મેઘપુર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. કપિલા અને અન્ય એક નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પુર આવતા ગામમાં જવા માટેનો સંપર્ક કપાય ગયો છે.