ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જેને લઈએ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ ની આગાહી ના પગલે વધુ વરસાદ નર્મદા તાપી સુરત વડોદરામાં પડવાની શક્યતા છે. જેને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
ઉકાઈ ડેમમાં નવા નીર
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસી રહયો છે ત્યારે તાપી જિલ્લામાં સવારથી મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં પણ 4200 ક્યૂસેક નવા નીરની આવક થઈ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 275.78 ફૂટે પહોંચી છે. જેને લઈ ને ધરતી પુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ ગઈ છે.
અમરેલીમાં મેઘ મહેર
અમરેલીમાં મેઘરાજાનું આગમન થયુ. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો માંડણ,ડુંગર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. રાજુલાના માંડણ ગામે 1 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ગામમાં પાણી વહેતા થયા હતા. તો વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.