મેઘાનું આગમન /
ગુજરાતમાં ચોમાસું મોડું બેસવાની આગાહી વચ્ચે આ જિલ્લાઓમાં પડ્યો ધોધમાર વરસાદ ખાબક્યો
Team VTV10:53 PM, 03 Jun 21
| Updated: 05:18 PM, 04 Jun 21
કેરળમાં આજે ચોમાસુ બેસી ગયાની સાથે ગુજરાતમાં આ વખતે વરસાદની શરૂઆત મોડી થવાની આગાહી
ગુજરાતમાં 25 જૂને વરસાદની આગાહી વચ્ચે માવઠા
રાજ્યના ત્રણ જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે માવઠું
બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં જોવા મળ્યો વરસાદ
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ચોમાસુ મોડું બેસવાની વાત કરી છે. આ વર્ષે ચોમાસુ 25 જૂન સુધી બેસવાની આગાહી કરાઈ છે. તો આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની પણ વાત કરી છે. કેરળમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વર્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના સામાન્ય દર્શાવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ સામાન્ય વરસાદ રહેશે.
ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. જો કે, આ વખતે ચોમાસુ 25 તારીખથી શરૂ થશે તેવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મોડી સાંજ પછી રાજકોટ જિલ્લાના જસદણ પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. જસદણ તાલુકાના આંબરડી ગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગામના પાદરમાં નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જોરદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. અસહય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડી શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.
બોટાદના ગઢડા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઢડામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. ગરમી બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થતા વિજળી ગુલ થઈ હતી.