દ.ગુજરાતમાં દેધનાધનઃ સુરતમાં ધોધમાર વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર

By : hiren joshi 12:14 PM, 12 July 2018 | Updated : 12:14 PM, 12 July 2018
સુરતઃ દ.ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. દ.ગુજરાતના શહેરોમાં વાહનવ્યવહારને વ્યાપક અસર પડી રહી છે. નવસારીમાં પંચાયત હસ્તક 67 રસ્તાઓ પાણી ભરાતા બંધ થયા છે. જ્યારે ડાંગ 11, વલસાડમાં 22, સુરતમાં 19, તાપીમાં 27 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.


સુરતના ઉધના, લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

સુરતમાં સવારથી વરસાદનું આગમન થયું. સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ બાદ ઉધના, લિંબાયત, અર્ચના સ્કૂલ, વરાછા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે.


સાથો સાથ રેલ્વે ગરનાળા પણ પાણીમાં ડૂબ્યા છે. તો ભારે વરસાદના પગલે ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થઈ છે.


ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે રજા જાહેર કરાઇ છે. ત્યારે સુરતમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

નવસારીઃ અંબિકા નદીમાં ઘોડાપૂર
બીજી બાજુ નવસારીના ગણદેવીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં વરસાદને લઇને અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારે આસપાસ અને કાંઠાના વિસ્તારના ગામોને અલર્ટ કરાયા છે. નદીમાં પાણીનું સ્તર વધતા 26 ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે.


તાપીમાં 2 દિવસથી સતત વરસાદ

તાપી જિલ્લામાં મેઘો મહેરબાન બન્યો છે. સતત 2 દિવસથી તાપીમાં વરસાદ યથાવત્ છે. સોનગઢ, વ્યારા, ડોલવણ, નિઝર, કુકરમુંડા, વાલોડ ઉચ્છલમાં વરસાદ વરસી રહ્યો છે.


ખેતી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભારે વરસાદ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.Recent Story

Popular Story