હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ
સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ પડયો
રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. જો કે અમદાવાદ સહિતના અમુક શહેરો આજે પણ કોરાધાકોળ રહ્યા હતા. બીજી તરફ આગાહીને પગલે સૌરાષ્ટ્રના અમરેલી-ધારી ગીર ધારીના ચલાલા, સરસીયા, અમૃતપુર, ઝર, મોરઝર, છતડીયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સારા વરસાદ બાદ આજે ફરીથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ થયો છે, જ્યારે મહેમદાવાદ અને માણાવદરમાં પોણા 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ તલાલામાં સવા 2 ઈંચ અને સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉમરાળા, ઉના, અને ચાણસ્મામાં 1.5 ઈંચ થયો છે, જ્યારે ખેડામાં સવા ઈંચ તથા વડગામ, વંથલી, કાલાવડ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.
બોટાદ જિલ્લામાં મેઘ મહેર
આજે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઢડા પંથકમાં સચરાચર મેઘ મહેર થઈ હતી.તોફાની પવન સાથે ત્રાટકેલા વરસાદને લઈને ઢસાના અનેક વિસ્તારોમાં વીજ પૂવરવઠો પણ ખોરવાયો હતો. ઢસા, પાટણા, ભંડારીયા સહિતના ગામોમાં વરસાદનું આગમન થતાં જગતનાતાતના હૈયા હરખાયા હતા. બીજી તરફ બોટાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેને લઇને શહેરના પાળીયાદ રોડ, સારંગપુર રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.
ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો
વધુમાં ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘા મહેર વર્ષી હતી. ધોરાજી પંથકમાં વરસાદે જોરદાર જમાવટ કરી હતી. ધીમી ધારે ખાબકેલા મેઘરાજાએ મન મૂકીને વ્હાલ વરસાવતા એક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મેઘરાજાની અવિરત બેટિંગને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા.
અમરેલી પંથક પર આજે મેઘરાજાની પધરામણી
આ ઉપરાંત અમરેલી પંથક પર આજે મેઘરાજાની પધરામણી થઇ હતી. લીલીયા પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું.ત્યારબાદ અમરેલીના લીલીયા, જાફરાબાદ,ધારી,ગીર બાદ લીલીયા પંથકમાં વરસાદ ત્રાટક્યો હતો.જાફરાબાદના બાલાનીવાવ ખાતે પણ વરસાદ પડયો હતો.નોંધનિય છે કે, નાગેશ્રી, ખાલસા,કંથારીયા,મીઠાપુર સહિત અમરેલી જિલ્લામાં સતત 9 માં દિવસે મેઘની મહેર ધીમીધારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને બફારામાથી રાહત મળી હતી.
સુરતના બારડોલી, કામરેજ પંથકમાં ધોધમાર વરસાદ
વધુમાં આજે સુરત જિલ્લામાં પણ ક્યાંય છૂટો છવાયો તો ક્યાંય સાંબેલાધાર વરસાદ પડયો હતો. સુરતના કામરેજ તાલુરામાં મેઘસાવરી આવી પહોંચી હતી. ધોધમાર વરસાદના આગમનને લઈને કામરેજ ગામે ખાતે પસાર ખતા સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાવાને પગલે વાહનચાલકોને પ્રથમ વરસાદમાં જ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.અનેક વાહન ચાલકોના વાહનો પાણીમાં અટવાયા હતા. પહેલા વરસાદએ એક જ ઝાટકે તંત્રની પોલ ખોલી નાખતા લોકોમાં સવાલો ઉભા થયા હતા. ઉપરાંત સુરતના બારડોલી પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળોની હડીયાપટ્ટી વચ્ચે બારડોલી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વધુમાં નાનપુરા, રાંદેર, જહાંગીરપુરા, અડાજણ, ઉધના, ભેસ્તાન, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા.
જૂનાગઢમાં ફરી મેઘસવારી આવી પહોંચી
હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢમાં ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધીમીધારે વરસતું પાણી જમીનમાં ઉતરતું હોવાથી ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી. વધુમાં વંથલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હોવાથી વતાવરમાં ટાઢક પ્રસરી હતી.
આણંદ અને નવસારી પણ મેઘાના વ્હાલમાં ભિંજાયા
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદે દસ્તક દીધી હતી. સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું વ્હાલ વરસ્યું હતું. બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત આજે આણંદ અને નવસારી પણ મેઘાના વ્હાલમાં ભિંજાયા હતા.સીઝનનો પ્રથમ વરસાદ ધમકેદાર રહ્યો હતો. વરસાદનું આગમન થઇ જતા આણંદ જિલ્લાના ખેડૂતો ખેતી કરવા સજ્જ બન્યા છે. ખેડૂતો કેળ, ડાંગર સહિતના પાકની પૂર્વ તૈયારીમાં જોતરાયા છે. મહત્વનું છે કે, ચાલુ વર્ષે કેળના ભાવ બમણા મળતા ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.