બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain alert in 8 districts of Gujarat monsoon 2022
Dhruv
Last Updated: 01:30 PM, 12 July 2022
ADVERTISEMENT
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું છે.
ADVERTISEMENT
ડેડિયાપાડામાં સૌથી વધુ 19.5 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં એક દિવસમાં 224 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે ગુજરાતના ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડામાં 19.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાથે તિલકવાડા, નાંદોદ, સુબિર અને ડાંગમાં પણ વ્યાપક વરસાદ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં 24 મંત્રીઓને જિલ્લાવાર જવાબદારી સોંપાઇ
ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઇને ભારે વરસાદની સ્થિતિ સામે સરકાર એક્શન મૉડમાં આવી ગઈ છે. આ મામલે મુખ્ય સચિવ પંકજકુમારે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તો બીજી તરફ 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના અપાઈ છે. જેને લઇને મંત્રીઓ રવાના થયા છે.
પંકજકુમારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સ થકી સમીક્ષા કરી
મુખ્ય સચિવ પંકજકુમારે આઠ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી અને તેમણે ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ જિલ્લાકક્ષાના ડિઝાસ્ટર પ્લાન સંદર્ભે એકદમ સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ રાહત કામગીરીને વધુ સજજ બનાવવા સૂચનાઓ આપી હતી. જ્યાં સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.
મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપાઈ
તો બીજી તરફ દરેક જિલ્લામાં ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને કામગીરીની સોંપણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આ વખતે રાજય સરકારના મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. જેમાં 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારીઓ બનાવાયા છે. તેવામાં હાલ રાજ્યમાં આઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખબક્યો છે તેને લઈને સરકારે એલર્ટ બનીને મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી પૂર્ણશ મોદીને તથા મુકેશ પટેલને તાપી અને કનું દેસાઇને સુરત તથા વલસાડ તેમજ નરેશ પટેલને ડાંગ અને નિમિષાબેન સુથારને છોટાઉદેપુર તથા ઋષિકેશ પટેલને અમદાવાદની જવાબદારી અપાતા વરસાદ હોય તેવા પ્રભારી જિલ્લામાં મંત્રીઓ જવા રવાના થયા છે. જયા મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની અને જરૂરી સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આગામી સમયમાં મુખ્યમંત્રી પુર પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેશે તેવું જાણવા મળી રહ્યું છે.
11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.