કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારની કોવિડ 19 સામે લડવાની નીતિ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે આ લડાઈમાં કાયદાઓ જો કેન્દ્ર સરકાર જ મનસ્વી રીતે નક્કી કર્યા કરશે તો તે દેશ માટે મોટી દુર્ઘટના સમાન રહેશે તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે તેમના મમ્મીના PMO અને મોદીના PMOમાં તફાવત સમજી જાય તો સારું છે.
ગરીબો અને પરપ્રાંતીય કામદારોને મદદ કરવા માટે તેમના ખાતાઓમાં ૬૫૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવો: રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે કેવી રીતે કામ કરવું તે જાણે છે: નકવી
રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે દેશમાં કોરોના સામેની લડાઈ, અર્થતંત્ર, લોકડાઉન વગેરે નિર્ણયો કેન્દ્ર સરકાર પોતાની રીતે લઇ રહી છે. કેન્દ્રએ તેનું વિકેન્દ્રિકરણ કરવાની જરુર છે. જો આ લડાઈ ફક્ત PMOની અંદર જ રહે છે તો આપણે હારી જઈશું. PM મોદીએ રાજ્યોના CM અને જિલ્લાઓના DM ઉપર ભરોસો રાખવો પડશે. નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાંથી એવી ફરિયાદો આવી છે કે તેમને કેન્દ્ર પાસેથી પૂરતા સંશાધનો ન મળવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ગરીબો અને પરપ્રાંતીય કામદારોને મદદ કરવા માટે તેમના ખાતાઓમાં ૬૫૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું છે.
કોરોના વાયરસ એટલો બધો જીવલેણ નથી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીનું એમ પણ કહેવું છે કે નોવેલ કોરોના વાયરસ એ જેટલો જીવલેણ દર્શાવવામાં આવી રહ્યો છે એટલો જીવલેણ નથી અને સરકારે આ વાયરસ સાથે જોડાયેલા ભયને દુર કરવા પ્રયત્ન કરવો જોઈએ. લોકડાઉન કોઈ સ્વિચ નથી જેને ઓન ઓફ કરી શકાય પણ લોકોને માનસિક રીતે પણ તૈયાર કરવા જરૂરી છે. અત્યારે લોકો ખૂબ ડરેલા છે.
Cભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી
રાહુલ ગાંધીના આ નિવેદનો સામે કેન્દ્રીય મંત્રી ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે તેમના મમ્મીના PMO અને મોદીના PMOમાં તફાવત સમજી જાય તો સારું છે. તેમણે રાહુલ ગાંધી ઉપર આક્ષેપ મુક્યો હતો કે તેઓ આશાઓને બદલે ડર ફેલાવવાનું કામ કરી રહ્યા છે. કોરોનાની લડાઈમાં સૌ એકસાથે લડશે. અત્યારે હોપની જરૂર છે હોરરની નહીં.
ગુજરાત ભૂકંપને યાદ કર્યો
નકવીએ મોદી સરકારની નેતાગીરીનું ઉદાહરણ આપવા કહ્યું હતું કે 2001ના ભૂકંપે ગુજરાતને તબાહ કરી નાખ્યું હતું. એવામાં મોદીની આગેવાનીમાં ગુજરાત આ ઝાટકામાંથી ઉભું થયું અને એટલી સારી રીતે થયું કે આજે વિશ્વભરમાં ગુજરાત આદર્શ રાજ્ય ગણાય છે. નરેન્દ્ર મોદી લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે કેવી રીતે કામ કરવું તે જાણે છે અને જનતા તેમના નિર્ણયોનું પાલન કરે છે એટલે જ દેશમાં આજે કોરોના મહામારી અન્ય દેશો કરતા કાબૂમાં છે.