પૂંજીપતિ ઉદ્યોગપતિઓ અને મોદી સરકાર મુદ્દે રાહુલ ગાંધીએ ફરીવાર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની સંપત્તિ મુદ્દેના એક અહેવાલનો સહારો લઈને મોદી સરકાર પર ટોણો માર્યો છે.
આ પહેલા પણ રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓ મુદ્દે સરકાર પર કર્યો હતો હુમલો
રાહુલ ગાંધીએ ફરીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ઉદ્યોગપતિઓની સંપત્તિ વધવા મુદ્દાને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટોણો માર્યો છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી ઘણા સમયથી આરોપ લગાવી રહ્યા છે કે પીએમ મોદી ઉદ્યોગપતિઓના હિતનું ધ્યાન રાખે છે.
રાહુલ ગાંધીએ એક અહેવાલ શેર કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારથી અદાણીની સંપત્તિમાં 230 ટકાનો વધારો થયો છે અને અદાણીની સંપત્તિ 26 અબજ ડોલર થઈ ગઈ છે. આ અહેવાલ શેર કરતા રાહુલ ગાંધીએ ટોણો માર્યો કે 'અને તમારી?'
નોંધનીય છે કે રાહુલ ગાંધી કેટલીય વાર મોદી સરકાર પર પુંજીપતિ મિત્રોનાં વિકાસનો આરોપ લગાવતા રહ્યા છે. અદાણીએ હાલમાં દેશના 6 એરપોર્ટ ટેકઓવર કર્યા છે અને આ મહિનામાં જ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો હતો કે વિકાસ તો થઇ રહ્યા છે પણ માત્ર અમુક જ મિત્રોનો.