Team VTV01:42 PM, 21 May 22
| Updated: 08:57 AM, 24 May 22
રાજકારણમાં પ્રવેશવા અંગે રઘુ શર્માએ નરેશ પટેલને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, 'નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે.'
નરેશ પટેલના રાજકીય પ્રવેશનો નિર્ણય ફરીવાર અટવાયો
નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે: રઘુ શર્મા
હાર્દિક પટેલે અચાનક કોંગ્રેસ નથી છોડીઃ રઘુ શર્મા
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને અટકળો ચાલી રહી છે. એવામાં એકવાર ફરી નરેશ પટેલના રાજકીય પ્રવેશનો નિર્ણય અટવાયો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નરેશ પટેલને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે,'આ અંગેનો જવાબ હું નહી આપી શકું. નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે. નરેશ પટેલ સાથે ગઇ કાલે 2 કલાક ચર્ચા કરી હતી.'
હાર્દિક પટેલે અચાનક કોંગ્રેસ નથી છોડી, લાંબા સમયથી ખીચડી રંધાઇ રહી છે: રઘુ શર્મા
આ સિવાય નરેશ પટેલની સાથે-સાથે હવે ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે હાર્દિક પટેલને લઇને પણ અટકળો શરૂ થઇ ગઇ છે. નરેશ પટેલની સાથે સાથે હવે હાર્દિકને લઇને પણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હાર્દિક પટેલને લઇને પણ રઘુ શર્માએ મહત્વનું નિવેદન આપ્યું છે. રઘુ શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે, 'હાર્દિક પટેલે અચાનક કોંગ્રેસ નથી છોડી. લાંબા સમયથી ખીચડી રંધાઇ રહી છે. નાની ઉંમરમાં પાર્ટીએ હાર્દિક પર મોટો ભરોસો કરી દીધો હતો. પદ તો આપી દીધું પણ કામ જાતે કરવાનું હોય છે. હાર્દિકની વાતોમાં કોઈ દમ નથી.'
અગાઉ પણ નરેશ પટેલ અને હાર્દિકને લઇને જુઓ રઘુ શર્માએ શું કહ્યું હતું?
નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઈ જશે: રઘુ શર્મા
હાર્દિક પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વાર કરતાં કહ્યું છે કે હાર્દિક પટેલે પહેલાથી જ મન બનાવી લીધું હતું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ જોવા મળી રહ્યા હતા. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યુ હતું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા છે માટે હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું તેથી પહેલાથી જ મન બનાવી કોંગ્રેસ પર આરોપ મૂકવાનું શરૂ કરી રાજીનામું આપી દીધું.
2 દિવસ અગાઉ નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્ચે 2 કલાક ચર્ચા ચાલી હતી
ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્ચે 2 કલાક ચર્ચા ચાલી હતી. જેના કારણે ઘણી અટકળોને વેગ મળ્યો હતો. ભાજપના એક ઓપરેશન બાદ હવે કોંગ્રેસ પણ બનતું જોર મારી રાજનૈતિક ગતિવિધિ તેજ કરી રહી છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસ પણ સામે મોટું ઓપરેશન પાર પડે તેવી શક્યતા છે. રઘુ શર્મા અને નરેશ પટેલની 2 દિવસ અગાઉ બે કલાક સુધી ચાલેલી મિટિંગ એ તરફ ઈશારો કરે છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્યતા વધારે રહેલી છે.