પબજી ગેમના રસિયાઓ માટે આશાસ્પદ સમાચાર છે. ભારતમાં પબજીની બીજી વખત વાપસી થઇ શકે છે.
ઇન્ટરનેટ પર ચાલી રહેલ હિલચાલ પરથી એવો નિર્દેશ મળી રહ્યો છે કે ભારતમાં પબજી રમનારા શોખીનોને તેનો આનંદ ઉઠાવવાની ફરી તક મળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં લદાખમાં એલએસી પર ભારત-ચીન વચ્ચે ઉભા થયેલા સરહદી વિવાદ બાદ સરકાર દ્વારા ભારતમાં પબજીનાં મોબાઇલ વર્ઝન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
લિંકડઇનમાં ભારતીય ઓપરેશન હાથ ધરવા અરજીઓ મંગાવી
જોકે તાજેતરમાં એવો સંકેત મળ્યો છે કે પબજી ગેમ ચલાવનાર કંપની ક્રોફોનને પબજી માટે પોપ્યુલર જોબ ટાઇપ લિંકડઇનમાં એક નવી જોબ માટે અરજીઓ મંગાવી છે. આ જોબ મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે આ જોબ માટે ભારતીય ઓપરેશન હાથ ધરવા અરજીઓ મંગાવવામાં આવી છે.
આથી એવા અહેવાલો વહેતા થયા છે કે ટૂંક સમયમાં પબજી પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અને આ જ કારણસર કંપનીએ પોતાના બિઝનેસ ઓપરેશન માટે ફરીથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પ્રતિબંધ છતાં દેશમાં ડેસ્ક ટોપ અને લેપટોપ પર પબજી રમી રહ્યા છે
એવા પણ અહેવાલો છે કે હજુ લોકો પ્રતિબંધ છતાં દેશમાં ડેસ્ક ટોપ અને લેપટોપ પર પબજી રમી રહ્યા છે. પબજી ગેમની ખૂબ જ લોકપ્રિયતા છે. પબજી ગેમને સમગ્ર દુનિયામાં ૧૦ મિલિયનથી વધુ વખત ખરીદવામાં આવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી વધુ ગેમિંગ એવોર્ડ પબજીને જ મળેલા છે.