બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મંદિર પર દાદાગીરી ભારે પડી પી.ટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, બીપી 300 પાર, પદ્મીની બા વ્હારે ચડ્યા
Last Updated: 12:04 PM, 5 July 2025
Rajkot News : રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ 2024માં ક્ષત્રિય સમાજ અંગે એક વિવાદિત ટિપ્પણી કરી અને લોકસભા ચૂંટણી પહેલા જ ક્ષત્રિય સમાજે રૂપાલા અને ત્યાર બાદ ભાજપ સામે બાંયો ચઢાવી હતી અને 14 એપ્રિલ, 2024થી રાજ્યમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકીનો એક ચહેરો રહેલા પી.ટી.જાડેજા પર હવે કાયદાકીય ગાળિયો કસાયો છે. ક્ષત્રિય આગેવાન તથા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવીણસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાની ધમકી આપવાના મામલે પાસા હેઠળ અટકાયત કરી લેવાઇ છે. શુક્રવારે રાત્રે જ પી.ટી જાડેજાને પોલીસ દ્વારા ઉઠાવી લેવાયા હતા.
ADVERTISEMENT
પાસા હેઠળ કાર્યવાહી
રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પી.ટી જાડેજાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તત્કાલ કોર્ટમાં હાજર કરી તેને સાબરમતી જેલમાં ધકેલી દેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી ખુબ જ સામાન્ય બાબતે બબાલ થઇ હતી. ત્યાર બાદ પી.ટી જાડેજાએ મંદિરનાં ટ્રસ્ટીઓને ધમકી આપી હતી. જેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
મંદિર મામલે દાદાગીરી કરી ધમકી આપી હતી
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર ગિરિરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મીનભાઇ ભરતભાઇ મકવાણા (ઉ.વ.44)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, સાંઇનગર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજાએ તેને ધાકધમકી આપી છે. પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે. આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન થાય છે. આ મહાઆરતીમાં સેંકડો લોકો ભાગ લે છે. આ જ મંદિરનાં પી.ટી જાડેજા અગાઉ ટ્રસ્ટી રહી ચુક્યા છે.
ADVERTISEMENT
મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી
21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવાયું હતું. જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા માટે ધમકી ઉચ્ચારી હતી. ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે’ તેમ કહીને ગાળો આપી હતી. 21ના મંદિર પાસે લાગેલા બેનર્સ પણ પી.ટી.જાડેજા ઉપાડી લઇ ગયા હતા. પોતાનો પાલતુ શ્વાન લઇને તેઓ મંદિર આવીને લોકોને ડરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
સમગ્ર ક્ષત્રિય સમાજ જવાબ આપશે
જો કે આ મામલે પી.ટી જાડેજાના પુત્રએ કહ્યું કે, પહેલા મારા પિતાને પોલીસ સ્ટેશન બોલાવાયા. મારા પિતા તાલુકા પોલીસ સ્ટેશન હાજર થઇ નિવેદન આપ્યુંને બીજા દિવસે નોટિસ આવી. જેમાં 5 જુલાઈને શનિવારે 11 વાગ્યે હાજર થવા જણાવવામાં આવ્યું હતું. જો કે તે અગાઉ અચાનક પોલીસ ત્રાટકી અને મારા પિતાને કોઇ આતંકવાદી હોય તે પ્રકારે ઉઠાવી ગઇ હતી. અમે પુછતા અમને કોઇ જવાબ અપાયો નહોતો. પોલીસ સ્ટેશન પહોંચતા અમને ખબર પડી કે તેમની પાસા હેઠળ ધરપકડ થઇ છે અને તેમને સાબરમતી જેલ મોકલાઇ રહ્યા છે. ખુબ સામાન્ય બાબતમાં પાસા હેઠળ કાર્યવાહી કરી સરકાર અમારા પર કિન્નાખોરી રાખી રહી છે. મારા પિતાની તબિયત લથડી હોવા છતા હોસ્પિટલ પણ જવાની પરવાનગી અપાઇ નહોતી. જો સરકાર કિન્નાખોરી રાખશે તો સમગ્ર ક્ષત્રિય સમાજ તેનો જવાબ આપશે.
ADVERTISEMENT
પોલીસ પહોંચી અને પી.ટી જાડેજાનું બી.પી.300 ને પાર
પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ મોટો કાફલો લઇને સાંઇનગર તેના ઘરે પહોંચી હતી. પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત થઇ રહી હોવાનું જણાવતા જ બ્લડપ્રેશર 300 ને પાર થઇ ગયું હતું. તેમની તબિયત લથડતાં તેમને તત્કાલ ગિરિરાજ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે થોડાક જ સમયમાં પી.ટી.જાડેજાને તાલુકા પોલીસ સ્ટેશન લઇ જવાયા અને ત્યાર બાદ સાબરમતી જેલ અમદાવાદ લઇ જવાયા હતા.
ADVERTISEMENT
પી ટી જાડેજાની પાસા હેઠળ અટકાયત અયોગ્યઃ પદ્મિનીબા વાળા
ક્ષત્રિય સમાજના આંદોલન અને ત્યાર બાદ અનેક વિવાદોમાં ઘેરાયેલા પદ્મિનીબા વાળાએ કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી. લોકસભા ચૂંટણી સમયે અમે બધાએ સાથે મળી જે આંદોલન કર્યું હતું તેનો ખાર રાખી પોલીસને હાથો બનાવી સરકાર કાર્યવાહી કરી રહી હોવાનું અને આ ફસાવી દેવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.