Pregnant woman forced to walk 2 km due to lack of road
આ છે વિકાસ? /
VIDEO: મોડાસામાં ઍમ્બ્યુલન્સ તો આવી પણ રોડ ન હોવાથી પ્રસૂતાએ પીડામાં 2 કિમી ચાલવું પડ્યું, તંત્ર સામે ઉઠ્યા સવાલ
Team VTV02:09 PM, 29 Mar 22
| Updated: 02:20 PM, 29 Mar 22
સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સ સુધી 2 કિમી ચાલવા મજબૂર, રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામમાં ન આવી, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વાસ્તવિકતા
મોડાસાના અણદાપુરમાં રસ્તો ન હોવાથી હાલાકી
સગર્ભા મહિલાને 2 કિમી એમ્બ્યુલન્સ સુધી ચાલીને જવું પડ્યું
ગુજરાતના વિકાસ મોડલની વાતો ઘણી કરવામાં આવે છે પરંતુ વિકાસ મોડલની વાસ્તવિકતા તો ગામડામાં જ જોવા મળે. મહાનગરોમાં હાઇટેક સુવિધાઓ આપીને ગુજરાતને વિકાસનું મોડલ ગણાવનારા અધિકારીઓને કોણ જ્યારે ક્યારે છેવાડાના ગામોની સમસ્યા દેખાશે. એક તરફ રોડ રસ્તા, ઓવરબ્રિજ. અરે હવે તો સ્ટીલના રસ્તા બનાવવામાં આવે છે તો બીજી તરફ એવા પણ ગામો છે જ્યાં આજદિન સુધી પાકો રસ્તો નથી બન્યો. નેતાઓ ચૂંટણી ટાણે મોટા મોટા વાયદા કરીને મત લેવા આવે, ભોળી પ્રજા નેતાઓ પર વિશ્વાસ કરીને તેઓને ચૂંટે પણ ખરી પણ, પછી શું ? ચૂંટણીઓ જીત્યા બાદ નેતાઓ ગાયબ થઇ જાય છે. ગામમાં દેખા દેતા નથી. ત્યારે આવા ખોટા વાયદા કરનારા નેતાઓના પાપે મોડાસાના અણદાપુરના ગ્રામજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.
અણદાપુર ઝંખે છે વિકાસ
વાત છે મોડાસાના અણદાપુર ગામની. આ ગામમાં રસ્તો ન હોવાથી ગ્રામજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. અરે સ્થતિ એટલી બદત્તર છે કે મેડિકલ ઇમરજન્સીના સમયે 108 તો આવે છે પરંતુ ગામથી 2કિલો મીટર દૂર. કારણ કે ગામની અંદર 108 આવે તે માટે પાકો રસ્તો જ નથી. પરિણામે એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 2 કિલોમીટર ચાલીને એમ્બ્યુલન્સ પહોંચવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં મહિલાએ પોતાને સંભાળવી મુશ્કેલ બને છે ત્યારે ચાલીને જવુ તે ઘણું જ કપરુ કામ છે. રસ્તો ન હોવાને લીધે એમ્બ્યુલન્સ 2 કિમી દૂર રહી હતી. આ સમગ્ર ઘટનાનો ગામના આગેવાને વીડિયો બનાવી વાયરલ કરતા વિકાસની વાસ્તવિકતા સામે આવી હતી. ગામમાં કોઇ બીમાર હોય તો 108 રસ્તો ન હોવાથી ગામની અંદર આવતી નથી. બીમાર દર્દીએ નાછૂટકે ચાલીને એમ્બ્યુલન્સ સુધી જવુ પડે છે.
સળગતા સવાલો
વિકાસ મોડલની વાતો માત્ર કાગળ પર ?
અણદાપુરમાં કેમ નથી બની શક્યો રસ્તો ?
પ્રસુતાની હાલાકી બાદ તંત્ર જાગશે ખરુ?
અરવલ્લી જિલ્લામાં કેટલા ગામોમાં રોડ નથી?
રોડ બનાવવા માટે તંત્ર કયા મુહૂર્તની જોઇ રહ્યું છે રાહ?