Team VTV07:46 AM, 26 May 22
| Updated: 07:56 AM, 26 May 22
ગરમીથી ત્રાહિમામ જનતાને આગામી દિવસોમાં રાહતની લાગણી અનુભવાશે. કારણ કે પ્રિ મોન્સૂન એક્ટિવીટીની શરૂઆત થવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં બદલાશે વાતાવરણ
પ્રિ-મોન્સૂન એક્ટીવીટીની રહી શકે છે અસર
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.હવે તો વરસાદ ક્યારે આવે તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે શહેરીજનો માટે ગરમીને લઇને રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 27 મેથી 29 મે સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે હવે ગરમીને લઇને આગામી બે દિવસ થોડી રાહત ચોક્કસ મળશે.
મેના અંત સુધીમાં ગરમીથી રાહત
હવામાન વિભાગે આ વખતે ચોમાસુ વહેલા બેસી શકે છે તેવી આગાહી કરી છે. વરસાદ 8 જૂનથી 15 જૂન સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં શરુ થઇ જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી હતી ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવીટીની શરૂઆત થઇ શકે છે. જી, હા 27 મેથી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. મે મહિનાના અંત સુધીમાં ગરમીમાંથી રાહત મળી શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
તો આ તરફ પ્રિ મોન્સૂન એક્ટિવીટીની શરુઆત થતા 27થી 29 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. કારણ કે દરિયાઇ વિસ્તારોમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
15 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા- અંબાલાલ પટેલ
હાલમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. 10 જૂન સુધી દ. ભારતના ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચી જશે. ગુજરાતમાં વરસાદ 10મી જૂનની આસપાસ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. 8મી જૂનથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. અને 15મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આદરા નક્ષત્ર પૂર્વે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. એટેલે આ વર્ષે ચોમાસુ થોડુ વ્હેલુ આવી તેવી શક્યતા રહેશે. ખેડૂતો માટે શરુઆતનો વરસાદ સારો રહેશે.