Pomegranate Greenish crop in farm during heat wave
સાહસ /
ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ મોરબીનાં આ ખેડૂતનું ખેતર લીલુંછમ, જાણો કારણ
Team VTV08:41 PM, 14 May 19
| Updated: 09:41 PM, 14 May 19
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીમાં ખેતરો સુકાભઠ બન્યાં છે. ખેડૂતો પિયતનાં પાણી માટે સતત માગણી કરી રહ્યાં છે. ત્યારે મોરબીનાં ખાનપર ગામે આવેલું એક ખેતર લીલુંછમ હરિયાળું જોવા મળ્યું છે. ગામનાં સાહસિક અને ખંતિલા ખેડૂતનાં અથાક પુરુષાર્થથી આખા ગામમાં એક માત્ર તેમનું એક માત્ર ખેતર દાડમનાં પાકથી લીલુંછમ અને હરિયાળું દેખાઈ રહ્યું છે. મોરબીનાં ખાનપર ગામે રહેતા 56 વર્ષીય દામજીભાઈ ઘોડાસરાએ અનોખી કોઠાસૂઝથી દાડમની ખેતી કરી છે.
ઉનાળો કાળઝાળ ગરમી વરસાવી રહ્યો છે. પાણીનાં સોર્સ સુકાઈ રહ્યાં છે ત્યારે પીવાનાં પાણીની અને પિયતનાં પાણીની તંગીનાં પોકાર ઊઠી રહ્યાં છે. પરંતુ આ બધાં વચ્ચે મોરબી જિલ્લાનાં એક ખેડૂતે પોતાની સૂઝ, ખંત અને મહેનતનાં બળે પોતાના ખેતરમાં હરિયાળી લહેરાવી છે. પંદર પંદર બોર કોરા ગયા બાદ પણ 16માં બોરમાં કેવી રીતે રિઝી કુદરત અને એક ખેડૂતે કેવી રીતે સુકામાં લહેરાવી હરિયાળી જોઈએ આ અહેવાલમાં.
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીમાં ખેતરો સુકાભઠ બન્યાં છે. ખેડૂતો પિયતનાં પાણી માટે સતત માગણી કરી રહ્યાં છે. ત્યારે મોરબીનાં ખાનપર ગામે આવેલું એક ખેતર લીલુંછમ હરિયાળું જોવા મળ્યું છે. ગામનાં સાહસિક અને ખંતિલા ખેડૂતનાં અથાક પુરુષાર્થથી આખા ગામમાં એક માત્ર તેમનું એક માત્ર ખેતર દાડમનાં પાકથી લીલુંછમ અને હરિયાળું દેખાઈ રહ્યું છે. મોરબીનાં ખાનપર ગામે રહેતા 56 વર્ષીય દામજીભાઈ ઘોડાસરાએ અનોખી કોઠાસૂઝથી દાડમની ખેતી કરી છે.
દામજીભાઈની સાહસિકતા ભલભલા સાહસિકોને પણ પ્રેરણા આપે તેવી છે. તેમણે ખેતીમાં જે સાહસિકતા દેખાડી છે તે નાસીપાસ થઈ જતા ખેડૂતો માટે પ્રેરણાદાયી છે. ખેતી માટે હંમેશા પાણીની મોટી અછત જ રહેતી હોય છે, તેમાંય હાલ ઉનાળામાં પીવાનાં પાણી માટે પણ ફાંફા હોય ત્યારે ખેતી માટે પાણી ક્યાંથી મેળવવું તે એક મુંઝવતો સવાલ છે. આ સ્થિતિમાં આ ખેડૂતે પિયત માટે ખેતરમાં બોર ગળવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. પણ તળ ઊંડા જતા રહેતા 15 જેટલાં બોર ગાળવા છતાં પણ પાણી મળ્યું નહીં.
જો કે, તેમ છતાં દામજીભાઈ હતાશ થયા નહીં. એમણે ફરી સાહસ કરીને 16મો બોર બનાવ્યો આ વખતે 1,710 ફૂટની ઊંડાઈએથી પાણી મળ્યું હતું અને તેમને ખેતરમાં મહેનત કરવા બળ મળી ગયું. જો કે, 16મો બોર બનાવતા પાણી મળ્યું તો ખરું પણ એ પાણી ગરમ વરાળ નીકળતું મળ્યું હતું. આવા ગરમા ગરમ પાણીનો ખેતરમાં સીધો ઉપયોગ કરવો એ મોટી નુકસાનીને આમંત્રણ આપવા જેવું હતું.
આ ગરમ પાણી ખેતીમાં સીધે સીધું ઉપયોગમાં લઈ શકાય તેમ ન હતું. તેનાથી ખેતીનો પાક બળી જવાનું જોખમ હતું. આથી આ ખેડૂતે વિકલ્પ શોધી કાઢ્યો. તેમણે બોરમાંથી ગરમ પાણી કાઢીને નજીકનાં પાડોશીનાં ખેતરમાં આવેલાં કૂવામાં ઠાલવી દીધું. પછી તે કુવામાંથી પાણી કુદરતી રીતે ઠરી જાય પછી ત્યાંથી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા દાડમનાં પાકને પિયત શરૂ કર્યું. દામજીભાઈ નામનાં આ પ્રગતિશીલ ખેડૂતે પોતાની 50 વિધા જમીનમાંથી હાલ 15 વિઘા જમીનમાં દાડમનો પાક વાવ્યો છે. મર્યાદિત સિંચાઈ વચ્ચે તેમની કઠોર મહેનતથી હાલ દાડમનો મબલખ પાક ઉતરી રહ્યો છે.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ દામજીભાઈનાં ખેતરમાં દાડમનો લીલોછમ પાક લૂમીઝુમી રહ્યો છે. ફરતા તમામ સૂકાભઠ ખેતરો વચ્ચે એક માત્ર તેમનું જ ખેતર તેમની સાહસિકતાની લીલીછમ ચાદર ઓઢીને લહેરાઈ રહ્યું છે. તેમણે બે વર્ષમાં 500 મણ દાડમનો પાક મેળવ્યો છે અને હજુ 300 મણ જેટલો દાડમનો પાક ઉતરાવી તૈયારીમાં છે. દાડમની ખેતીથી તેમને આશરે રૂ.6 લાખનો નફો મળશે ઉપરાંત બોર ગાળવામાં તેમને જે નુકસાની થઈ હતી તેનું પણ વળતર તેમને મળી ગયું છે. દામજી ભાઈ તમામ ખેડૂતોને મહેનત સાથે સાહસની પણ પ્રેરણાઆપી રહ્યાં છે.