નીતિનભાઈને આપણે ઉમેદવાર તરીકે ગંભીરતાથી લેવા જોઈએ : હરિ દેસાઈ
વિજય રૂપાણીના અચાનક રાજીનામાંએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. ગુજરાતનાં આગામી મુખ્યમંત્રી અંગે અનેક તર્ક વિતર્ક લગાવાઇ રહ્યા છે. આગામી CM મામલે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે આનંદીબહેનને રાજ્યપાલ પદેથી રાજીનામું અપાવીને ગુજરાતની ધુરા સોંપવામાં આવે, અને જો આનંદીબહેનને લવાવ અશક્ય હોય તો નીતિનભાઈને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ગંભીરતાથી લેવા જોઈએ.
ગુજરાતના અધિકારીરાજને આનંદીબેન કંટ્રોલ કરી શકે
ગુજરાતનાં મુખ્યમંત્રી કોણ? આ મુદ્દે જાણીતા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ મોટો તારણ રજુ કર્યા છે. હરી દેસાઇએ નીતિન પટેલ અને આનંદીબેન પટેલના સીએમ દાવેદાર બનવા માટે તાલ ઠોક્યો છે. અને કહ્યું છે કે આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પરથી રાજીનામું અપાવી દેવું જોઈએ અને ગુજરાતની ધુરા ફરી એક વખત તેમણે સોંપાવી જોઈએ આ નિવેદન પાછળ કારણ આપતા તેમેણે કહ્યું હતું કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. તેને સારી રીતે આનંદીબેન પટેલ કંટ્રોલ કરી શકે છે. અને ફરીથી ગુજરાતમાં નેતારાજ સ્થાપી શકે છે. આથી આજ કારણે આનંદીબેન પટેલને ફરીથી ગુજરાતની કમાન સોંપવાની માંગ કરી છે. સાથે જ જો આનંદીબેન પટેલ પર ભાજપ હાઈકમાન્ડ પસંદગી ન ઉતારે તો નીતિન પટેલને ગુજરાત સોંપાય તેવું સમર્થન કર્યું હતું. અને કહ્યું હતું કે અમિત શાહની જીદ્દના કારણે વિજય રૂપાણીને તક મળી હતી, આનંદીબહેનના અનુગામી તરીકે નીતિન પટેલનું નામ જાહેર થવાનું હતું પાર્ટીએ એમને કેટલા ગંભીરતાથી લેવા છે એ એના પર મદાર છે.
નીતિન પટેલની કેમ થઈ શકે છે પસંદગી?
ગુજરાતની રાજનીતિમાં કદાવર નામ એટલે નીતિન પટેલ.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવા પ્રદેશમાંથી આવે છે જ્યારે, સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ બેઠક લોકસભાની હતી ત્યારે, મહેસાણા માં એ.કે.પટેલ સંસદસભ્ય હતા.ઉત્તર ગુજરાત ભાજપનું એપી સેન્ટર રહ્યું છે. અને નીતિન પટેલ અહીંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.ગમે તેવી પરિસ્થિતિમાં એક નિષ્ઠ રહી પાર્ટીને વફાદાર રહેલા નીતિન પટેલના મો એ આવેલો મુખ્યમંત્રી પદનો કોળીયો છીનવાઈ ગયાની ચર્ચા પણ હતી. સ્પષ્ટ વક્તા અને રોકડું પરખાવનારા નીતિનભાઈ '90નાં દાયકાથી રાજનીતિમાં સક્રિય છે. ઉત્તર ગુજરાતમાં મજબૂત પકડ ધરાવતા નીતિન પટેલ વહીવટીય કોઠાસૂઝ પણ ધરાવે છે. પાટીદાર સમાજ પોતાના સમાજનો મુખ્યમંત્રી આગામી ચૂંટણી બાદ હોય તેવી લાગણી ધરાવે છે. આ શ્રુંખલામાં નીતિન ભાઈ ફીટ બેસે છે.
કેમ મનસુખ માંડવીયા ?
મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના સૌથી મોટા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે.ગુજરાતની રાજનીતિમાં લેઉવા પાટીદારોનું પણ કડવા પાટીદાર જેટલું જ યોગદાન છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.એક પણ ચુંટણી લડ્યા વગર મનસુખ માંડવીયા કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા છે.અને હાલમાં જ કેબીબેત મંત્રી સુધીનું પ્રમોશન મેળવ્યું છે.તેના પરથી જ તેમની સંગઠનાત્મક કૂનેહ,અને વહીવટીય ક્ષમતાનો અંદાજ આવી જાય છે. વડાપ્રધાનના એકદમ વિશ્વાસુ રહેલા માંડવીયાનું નામ પણ અગાઉ મુખ્યમંત્રી તરીકે ચાલી ગયું છે.પાટીદાર અનામત આંદોલન વખતે મનસુખ માંડવીયાની ભૂમિકા 'કેન્દ્રના દૂત' જેવી હતી અને કહેવાય છે કે, વડાપ્રધાન કાર્યાલયમાં ગુજરાતની ગતિવિધિનું સીધું રીપોર્ટીંગ કરતા હતા. 2012માં પહેલી વખત રાજ્યસભાના સાંસદ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પણ માંડવીયાની ભરપૂર પ્રસંશા કરી હતી. કેન્દ્રમાં આરોગ્ય મંત્રાલય સંભાળતા માંડવીયા સામાન્ય પ્રવક્તાથી કેન્દ્રીય કેબીનેટ મંત્રી બન્યા છે.
શા માટે રૂપાલા ?
કેન્દ્રિય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા રાજનીતિમાં આવ્યા પહેલા અમરેલી પંથકમાં શિક્ષક હતા. કડવા પાટીદાર સમાજમાંથી આવતા રૂપાલા કેશુભાઈના વિશ્વાસુ હતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોની વસ્તી મોટી સંખ્યામાં છે.અને પરસોત્તમ રૂપાલાની સમાજ પર પકડ પણ છે. અમરેલી-સુરતમાં સામાજિક કાર્યો કે પાર્ટીના કામ માટે એક હાકલે સમાજ દાનનો ધોધ વહાવી આપે છે.આર્થિક રીતે સદ્ધર એવા સમાજનું ગુજરાતના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. પરસોત્તમ રૂપાલાએ ગુજરાતમાં મંત્રી રહ્યાંથી,કેન્દ્રીય મંત્રી સુધીની સફર તડકી-છાંયડી વચ્ચે ખેડી છે.હાલ કેન્દ્રમાં મંત્રી છે.અગાઉ પાટીદાર આંદોલન વખતે પણ પરસોત્તમ રૂપાલાનું નામ મુખ્યમંત્રી પદ માટે ઉછળી ચુક્યું હતું. વખતે પણ ગુજરાતની રાજનીતિથી માંડીને કૃષિ-કાયદા- સહકાર વિભાગ પર પણ તેમની પકડ હોવાથી પરસોત્તમ રૂપાલાની ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે સંભાવનાઓને નકારી શકાય નહિ.
ગોરધન ઝડફિયા પણ હરીફાઈમાં
ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજનું વિશ્વ્સ્થ નામ એટલે ગોરધન ઝડફિયા. રાજ્યના એક સમયે ગૃહમંત્રી રહેલા ઝડફિયા કેશુભાઈ પટેલના અત્યંત વિશ્વાસુ. કેશુભાઈ પટેલે જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે,ઝડફીયા ભાજપથી નારાજ થઇ GPPમાં જોડાયા અને વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. કેશુભાઈએ GPP સમેટી લેતા ગોરધનભાઈ ફરી ભાજપમાં આવી ગયા અને સંગઠનની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. ઝડફિયા, ભાજપ માટે 'થીંક ટેંક' સદ્સ્યોમાના એક છે. તેમની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ સંભાવનાઓ જોવાઈ રહી છે.
પ્રદીપસિંહ જાડેજાની કેમ થઈ શકે પસંદગી?
ક્ષત્રિય સમાજનો સૌથી મોટો ચહેરો અને નિર્વિવાદ વ્યક્તિત્વ એટલે પ્રદિપસિંહ જાડેજા. ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે એક વાર તો આ નામ વિચારણામાં લાવવું જ પડે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ એવા પ્રદિપસિંહ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પણ પ્રીતિપાત્ર રહ્યા છે. જો ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળે તો ઠાકોર સમાજ પણ ભાજપ તરફ વળી શકે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા પ્રદિપસિંહ વરસોથી ગૃહ વિભાગ સંભાળે છે.પ્રદીપસિંહના જ નેતૃત્વમાં ગુડા એક્ટ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ, લવ જેહાદ જેવા કાયદા અમલમાં આવ્યા.સમગ્ર દેશમાં ગુજરાતની પોલીસની એક આગવી ઓળખ છે.રાજ્યમાં ઉદભવેલા અનેક આંદોલનને સમાપ્ત કરવામાં પ્રદીપસિંહની મોટી ભૂમિકા રહી છે. પ્રદિપસિંહ ઉત્તમ વહીવટીકર્તા હોવાની સાથે સાથે અધિકારીઓ પર પણ સારી પકડ ધરાવે છે.