વડોદરાના રાવપુરામાં થયેલા પથ્થરમારાના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો
વડોદરામાં પોલીસની ટીમ ઉપર હુમલો
આરોપીને પકડવા ગઈ હતી પોલીસ
મિયા અબ્બાસના ખાંચામાં ટોળાએ પોલીસ ઉપર કર્યો હતો હુમલો
પોલીસની ફરજ છે કે શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જળવાય. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ જ સુરક્ષિત ન હોય તો પછી કોને કહેવુ ? આવો જ ઘાટ ઘડાયો વડોદરામાં. વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ગયેલી પોલીસ પર જ ટોળાઓએ હુમલો કરી દીધો.
પોલીસ પર હુમલો કરીને આરોપીને છોડાવી લીધો
વાત જાણે એમ છે કે વડોદરાના રાવપુરામાં પોલીસ રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા ગઇ હતી. મિયા અબ્બાસના ખાંચામાં પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઇ તો ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો અને આરોપીને છોડાવી ગયા. હુમલા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું.
બાતમી મળતા પોલીસ પહોંચી હતી આરોપીઓને પકડવા
મહત્વનું છે કે 17 એપ્રિલે રવિવારે મોડી રાત્રે કોમી તોફાન બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. આ મામલે પોલીસ હજી તપાસ કરી રહી છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગનો ગુનો નોંધાયો છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ન્યાય મંદિર મીંયા અબ્બાસના ખાંચામાં રહેતા હોવાની માહિતી મળતા પોલીસ કાફલો લઇને આરોપીઓને ઝડપી પાડવા પહોંચી હતી. બે આરોપીઓને પોલીસે પકડી પણ લીધા હતા પરંતુ આ બંને આરોપીઓને છોડાવવા વિસ્તારમાં મોટું ટોળું ભેગું થઇ ગયું હતું.ટોળાએ પોલીસની ટીમને ઘેરી લઇને હુમલો કર્યો હતો. અને ટોળું બંને આરોપીઓને છોડાવી ગયું હતું.
શું બની હતી ઘટના ?
વડોદરાના રાવપુરા વિસ્તારમાં રવિવાર મોડી રાત્રે બે બાઈક વચ્ચે અકસ્માત થતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જ્યાર બાદ વાતાવરણ તંગ બન્યું હતું. હાલ શહેરમાં પોલીસનું પેટ્રોલિંગ પણ ચાલુ છે. SRPની ટીમો પણ બોલાવી લેવામાં આવી છે. મહત્વનું છે કે, કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં 19 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આરોપીઓને રાત્રે જ ઝડપી લેવામાં આવ્યા હતાં. રાવપુરામાં 8 આરોપીઓની ધરપકડ કરીને કુલ 25 લોકો સામે ગુનો દાખલ કરાયો છે. SRPની 2 ટીમો પણ તૈનાત કરી દેવાઇ છે.'