જેલમાં બંધ યુવાનને સગીર વયની તેની પ્રેમીકાએ જેલમાંથી ભાગડી આઝાદ કરાવ્યો હોવાનો કિસ્સો પાંચ દિવસ અગાઉ મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. આ મામલે પોલીસ સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને કડીના નંદાસણ પોલીસ સ્ટેશન PSI જે.એલ.બોરાયાને તાત્કાલીક સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલાં ભર્યા છે.
શુ હતો સમગ્ર મામલો ?
મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા યુવકની પોતાના જ વિસ્તારની સગીરા સાથે આંખ મળી ગઈ હતી. જેમાં બંનેને પ્રેમ થઇ ગયો હતો અને પ્રેમમાં ગળાડુબ બને પ્રેમલગ્નના વિચાર સાથે ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ સગીરાના પરિવાજનોને જાણ થતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ પ્રેમી પંખીડાની શોધખોળ કરતી હતી. આ દરમિયાન બંને સગીરા અને પ્રેમી વકિલ મારફતે નંદાસણ પોલીસ મથકે હાજર થયા હતા.જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી લિધી હતી અને જેલ હવાલે કરી દીધો હતો. આ દરમિયાન મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં મહિલા જી.આર.ડી. અને પોલીસ કર્મચારીઓ સુઇ ગયા હતા. ત્યારે મોકાનો લાભ લઈને પ્રેમિકાએ પ્રેમીના કહેવા મુજબ ડ્રોવરમાંથી ચાવી લઇને લોકઅપનું તાળુ ખોલી નાખ્યું હતું અને આરોપી આઝાદ થઇ ભાગી ગયો હતો. જેમાં તરત જ પોલીસ જાગી જતા સગીરા પકડાઈ હતી. ત્યારબાદ પોલીસે બંને વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
ઘટના મામલે 3 હોમગાર્ડ સામે તપાસ શરૂ
કડીના નંદાસણ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ભાગી જવા મામલે ગંભીર બેદરકારી બદલ નંદાસણ પોલીસ સ્ટેશનના PSI જે.એલ.બોરાયાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ ઘટના મામલે 3 હોમગાર્ડ સામે તપાસ ચાલી રહી છે.