Police rescued 5 robbers after hearing 'rescue - rescue'
અમદાવાદ /
‘બચાવો- બચાવો’નો અવાજ સાંભળ્યોને પોલીસે કર્યું જોરદાર કામ
Team VTV04:55 PM, 24 Jan 20
| Updated: 04:58 PM, 24 Jan 20
શટલ રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને લૂંટી લેતા પાંચ લૂંટારુઓની પોલીસે રંગે હાથ ધરપકડ કરી લીધી છે. પેસેન્જરની છાતી પર છરી મૂકીને લૂંટારુઓ લૂંટ ચલાવવાની કોશિશ કરતા હતા ત્યારે પોલીસ આવી પહોંચી હતી. રિક્ષાચાલકે પોલીસને જોઇને રિક્ષા ભગાવી હતી. ભોગ બનનાર યુવકો રિક્ષામાંથી હાથ બહાર કાઢીને બચાવો બચાવોની બૂમો પાડતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેમને બચાવી લીધા હતા.
અમરાઇવાડીમાં આવેલ રબારી કોલોનીમાં રહેતા દિનેશ શાક્યએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી છે. દિનેશ ઇલેટ્રિકનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૨ના રોજ દિનેશ અને તેના બે મિત્રો અનુપ અને મહેન્દ્ર ધંધૂકાથી કારમાં બેસીને અમદાવાદ આવતા હતા. ત્રણેય જણા વિશાલા સર્કલ ખાતે ઊતરીને શટલ રિક્ષામાં બેઠા.
શટલ રિક્ષામાં પહેલેથી ચાર લોકો પેસેન્જરો બેઠા હતા. રિક્ષાચાલક નારોલ તરફ જઇ રહ્યો હતો ત્યારે એક અવાવરું જગ્યાએ જઇને રિક્ષા ઊભી રાખી હતી.
જેમાં પેસેન્જર તરીકે બેઠેલા એક યુવકે દિનેશની છાતી પર ચપ્પુ મુકીને કહ્યું હતું કે જો ભી હૈ વો સબ નીકાલ કે દે દો...પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા યુવકો દિનેશ અને તેના બે મિત્રોનાં ખિસાં તપાસતાં હતાં ત્યારે પોલીસની વાન આવતી હતી. પોલીસની ગાડીને જોઇને રિક્ષાચાલકે પોતાની રિક્ષા ભગાવી હતી અને દિનેશ તેમજ તેના મિત્રને ચૂપ રહેવાની ધમકી આપી હતી.
દિનેશે રિક્ષામાંથી પોતાનો હાથ બહાર કાઢીને બચાવો બચાવોની બૂમો પાડી હતી. દિનેશનો હાથ જોઇને પોલીસે તરત જ રીક્ષાને કોર્ડન કરીને ઊભી રાખી દીધી હતી. દાણીલીમડા પોલીસે દિનેશ અને તેના બે મિત્રોને બચાવી લીધા હતા અને રિક્ષાચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. દાણીલીમડા પોલીસે રિઝવાન પઠાણ, મુસ્તુફા પઠાણ, સમીર શેખ, આદિલ દરબાર, મોહંમદ શેખની ધરપકડ કરી છે.