Police complaint young woman dead body case sayra Modasa aravalli
મોડાસા /
...અંતે અનેક વિવાદ બાદ સાયરામાં યુવતીના મોત મામલે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાયો
Team VTV06:20 PM, 07 Jan 20
| Updated: 08:33 PM, 07 Jan 20
મોડાસાના સાયરા પાસે દધાલિયા રોડ પાર ઝાડ પર દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં 20 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી પર બળાત્કાર કરીને હત્યા કરી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ શંકાસ્પદોના નામ સહીત અરજી આપવામાં આવી હતી. જે મામલે યુવતી ગુમ થયા અંગે તપાસ ચાલતી હતી. પરંતુ કેટલાક દિવસો સુધી ફરિયાદ ના નોંધાતા હોબાળો મચ્યો હતો ત્યારે હવે યુવતીના મોતના મામલે અનેક વિવાદ બાદ અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોડાસાના સાયરામાં યુવતીના મોતનો મામલો
અપહરણ, સામૂહિક દુષ્કર્મ, અને હત્યાનો ગુનો નોંધાયો
ચાર આરોપીઓ સામે દુષ્કર્મનો ગુનો દાખલ
અરવલ્લીના સાયરા ગામે યુવતીના મોતનો મામલે પરિવારજનો પોલીસ પર ફરિયાદ ન લેવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોએ યુવતીના અપહરણ, સામુહિક, દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કરવાની માગ કરી હતી. જો કે પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા મૃતક યુવતીના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન આગળ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ત્યારે હવે આ મામલે અંતે ફરિયાદ નોંધાતા ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યું છે.
સોમવારથી ચાલતું ઉપવાસ આંદોલન પૂર્ણ થયું છે. અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાયો છે. ચાર આરોપીઓ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા પણ માંગ કરવામાં આવી છે. આ તપાસ CID ક્રાઈમને સોંપવાની માંગ કરી છે.
ગળેફાંસો ખાધેલી સ્થિતિમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી હતી
પાંચ દિવસથી ગુમ યુવતીની સાયરા-દધાલિયા રોડ પર દુપટ્ટાથી ગળેફાંસો ખાધેલી સ્થિતિમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી હતી. ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર હોઈ પૂજારી દિવાબત્તી કરવા પહોંચ્યો હતો. જ્યાં તેમને લાશ દેખાઇ હતી. પાંચ દિવસથી દિવસ અને રાત એક કરી યુવતીની શોધખોળ કરતા પરિવારજનોને મોતના સમાચાર મળતા પરિવાર તૂટી જવા પામ્યો હતો. દલિત સમાજની યુવતીના આ મોત મામલે જિલ્લાનો પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે FSLની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવામાં આવી છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટમોર્ટમ પહેલા પોલીસે ફરિયાદ નોંધી ન હતી
અરવલ્લીના સાયરા ગામમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ પહેલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે હવે ન્યાયની માગ સાથે મૃતક યુવતીના પરિવારજનો રસ્તા પર ઉતર્યા છે. રસ્તા પર બેસીને પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે. રવિવારે યુવતીનો મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરીને હત્યા કરાઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારને આપી હતી ચીમકી
મોડાસાના સાયરા ગામની યુવતીના મોત મામલે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે જો 6 વાગ્યા સુધીમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે. તો અમે ઉગ્ર આંદોલન કરીશું. યુવતી પર ગેંગરેપ થયાની કલમ દાખલ કરવાની પણ માગ જિગ્નેશ મેવાણીએ કરી છે. સાથે જ કડક કલમો સાથે ગુનો દાખલ કરવાની માગ કરાઇ છે.
પરિવારના કહેવા મુજબ આરોપીઓના નામ દાખલ થશેઃ પોલીસ
અરવલ્લીમાં યુવતીના રહસ્યમય મોત મામલે પોલીસનું નિવેદન કર્યુ છે. આ મામલે જિલ્લા પોલીસ વડાએ તમામ કાર્યવાહીની ખાતરી આપી છે. રેન્જ IGની હાજરીમા પરિજનોની માગ સ્વીકારવામાં આવી છે. પરિવારના આગ્રહને કારણે પોસ્ટમોર્ટમ માટે કલાકો સુધી રાહ જોવી પડી છે. યુવતીના અપહરણ અંગે ફરિયાદ લેવાની શરૂઆત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ છે કે પરિવારના કહેવા મુજબ આરોપીઓના નામ દાખલ થશે.