નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5થી 7 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે
નવસારીના ખેરગામમાં વ્યાજખોરની ધરપકડ
પોલીસે વ્યાજખોર પાસેથી 21 વાહનો કબજે કર્યા
ભીખુ પટેલ જરૂરિયાતમંદ લોકો પાસેથી વાહન ગીરવે લેતો હતો
ગુજરાત સરકારની વ્યાજખોરો સામેનું અભિયાન રંગ લાવી રહ્યું છે. નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર પાસેથી પોલીસે 20 બાઈક અને એક કાર મળી ગીરવે લીધેલા 21 વાહનો પણ કબજે કર્યા છે.
નવસારી પોલીસ સ્ટેશન
વ્યાજખોર ભીખુ પટેલની પોલીસ ધરપકડ કરી
રૂપિયાની જરૂરિયાત માણસને વ્યાજે નાણાં લેવા મજબૂર કરે છે. પરંતુ વ્યાજના વિષચક્રમાં ફસાયેલો માણસ મુશ્કેલીથી તેમાંથી બહાર નિકળી શકે છે. ઘણીવાર વ્યાજખોરોના આતંકને કારણે વાત આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વ્યાજખોરો સામેની મુહિમ હવે રંગ લાવી રહી છે. નવસારી જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે, પરંતુ ખાનગી રાહે બાતમી મળતા ખેરગામ પોલીસે તાલુકાના નારણપોર ગામમાં વાહન ગીરવે લઈ ઉંચા વ્યાજે નાણાં ધીરનાર સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે.
વ્યાજખોર ભીખુ પટેલ
5થી 7 ટકા વ્યાજ વસૂલતો હતો
વ્યાજખોર ભીખુ પટેલ જરૂરિયાત મંદ લોકો પાસેથી તેમનું વાહન ગીરવે લેતો હતો અને તેની કિંમત આંક્યા બાદ અડધા અથવા જરૂરિયાત મુજબના રૂપિયા આપી મહિને 5 ટકા ઉંચા વ્યાજે નાણાં ધીરતો હતો. જ્યારે વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થાય તો વધુ બે ટકા સાથે 7% વ્યાજ વસૂલતો હતો. આ રીતે ભીખુ પટેલે 20 બાઈક અને એક eeco કાર ઊંચા વ્યાજે ગીરવે લીધી હતી. ભીખુના વ્યાજખોરીના ગુનાની જાણ થતા ખેરગામ પોલીસે નારણપોર ગામે ભીખુ પટેલના ઘરે છાપો મારતા ટુ વ્હીલર મળી આવ્યા હતા. સાથે જ તપાસમાં ભીખુ પટેલ પાસે એક રજીસ્ટર મળ્યું હતુ, જેમાં કયા વાહન ઉપર કેટલા રૂપિયા ધીર્યા છે એની માહિતી પણ હતી. જેના આધારે પોલીસે 10.60 લાખ રૂપિયાના 20 બાઈક અને એક કાર મળી 21 વાહનો કબજે કર્યા હતા. સાથે જ આરોપી સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 21 વાહનો સાથે કુલ 10.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કબજે કરેલા વાહનોની તસવીર
ગરીબ અને મધ્યમવર્ગીયો ને પાયમાલ કરતા વ્યાજખોરો ની ખૈર નથી એવી મુહિમ ને લઈને પોલીસ આગળ આવી રહી છે મજબૂરીનો ફાયદો ઉઠાવતા વ્યાજખોરોને શોધી શોધીને સબક શીખવા પોલીસ જાગી છે ત્યારે અસરગ્રસ્તો સામે ચાલીને પોલીસને આપબીતી બતવવામાં રસ દાખવશેતો આવા વ્યાજખોરો હજીપણ ઢગલાબંધ બહાર પડતા રહેશે.