PM Modi urges company executives not to cut their employees salaries during lockdown
coronavirus /
PM મોદીએ કરી તાકીદ; લોક ડાઉન સમયે કર્મચારીઓના પગાર અંગે કંપનીઓ સાથે થઇ ચર્ચા
Team VTV03:45 AM, 24 Mar 20
| Updated: 03:46 AM, 24 Mar 20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ASSOCHAM, FICCI, CII જેવા બિઝનેસ એસોસિએશન સાથે 18 શહેરોમાં વિડિઓ કોન્ફરન્સમાં વાતચીત કરી હતી જેમાં તેમણે કોરોના વાયરસ મુદ્દે વાત કરીને કર્મચારીઓના લોક ડાઉન સમયે પગાર ન કાપવાની અને તેમને વર્ક ફ્રોમ હોમ માટે પરવાનગી આપવાની વિનંતી કરી હતી.
વડાપ્રધાનને જણાવ્યું હતું કે આ વાયરસ વિશ્વ યુદ્ધો કરતા પણ મોટો પડકાર સર્જી રહ્યો છે અને ભારત જેવા વિકાસની હરણફાળ ભરી રહેલા દેશ સામે એક મોટી ચેલેન્જ ઉભી કરી રહ્યો છે.
વડાપ્રધાને 'વિશ્વાસ' શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું હતું કે કોઈ પણ દેશનો વહીવટ અને તેનું અર્થતંત્ર વિશ્વાસ ઉપર ખૂબ આધારિત છે. જયારે લોકોને વિશ્વાસ આવે કે પડકારરૂપ અને ખરાબ સમયમાં પણ તેમનો સાથ નહિ છોડવામાં આવે તે ખૂબ જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું કે પ્રવાસન, કન્સ્ટ્રક્શન, ઉત્પાદન અને ઇન્ફોર્મલ સેક્ટર પણ કોરોના વાયરસને કારણે ખૂબ નુકશાન કરી રહ્યું છે અને અર્થતંત્રમાં આ ઝાટકાથી રિકવર થતા ઘણો સમય લાગી શકે તેમ છે.
વીડિઓ કોન્ફરન્સ કરી રહેલા PM મોદી (Source : Twitter)
આ તમામ બિઝનેસ ક્ષેત્રના મહાનુભવોએ પણ PM મોદીનો કોરોના વાયરસ મુદ્દે ઝડપી અને ઉપયોગી પગલાં લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના તરફથી લેવાયેલા પગલાં જેવા કે જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો જાળવવો, મેડિકલના સાધનો જેવા કે વેન્ટીલેટર, આઇસોલેશન વોર્ડ બનાવવા માટેની કવાયત, CSR ભંડોળનો કોરોના વાયરસ સામે ઉપયોગ કરવો વગેરે વિષે માહિતી આપી હતી.
આ ઉપરાંત બેન્કિંગ, ફાઇનાન્સ, હોસ્પિટાલિટી, ટુરિઝમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં હાલમાં આવી રહેલા પડકારો અને તેના ઉપાય માટે આર્થિક સહાય વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને પક્ષોએ આર્થિક ખોટ જાય તેમ છતાં ઇન્ફેક્શનને અટકાવી રાખવા લોક ડાઉન જાળવી રાખવાના મહત્વ વિષે વાત કરી હતી.
બિઝનેસ ક્ષેત્રના મહાનુભવોએ એક અવાજમાં અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટરના કર્મચારીઓની જરૂરિયાત વિષે પણ ચર્ચા કરી એ માટે PM મોદીએ તેમનો આભાર વ્યક્ત કરીને કહ્યું કે તેમનો આ પ્રકારનો અભિગમ અર્થતંત્રનું એક નવા પ્રકારનું સંકલન દર્શાવે છે. તેમણે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની પરવાનગી આપવા માટે અને તેના માટે જરૂરી ટેકનોલોજી વાપરવાની હિમાયત કરી. તેમણે કહ્યું કે આ સમય બિઝનેસ માટે ખૂબ ખરાબ હોવા છતાં માનવતા દાખવવી ખૂબ જરૂરી છે.
Source : Twitter
જીવન જરૂરીયાતની વસ્તુઓનું ઉત્પાદન સતત ચાલુ રહે અને કાળા બજાર અને સંગ્રહ ખોરી ન થાય તે માટે ધ્યાન રાખવાની પણ વાત કરવામાં આવી. તેમણે ઓફિસ, ફેક્ટરી કે કામના સ્થળે સ્વચ્છતા અને સરકારે કોરોનાવાયરસ સામે બચવા માટે જાહેર કરેલ ગાઇડ લાઈન્સના અનુસરણ માટે પણ ચર્ચા કરી.
આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સિંગ અને CSR ફંડનો કોરોના વાયરસ સામે ઉપયોગ થાય તેના મહત્વની પણ ચર્ચા કરી. નોંધનીય છે કે ઉદ્યોગ વિકાસ અને આંતરિક વ્યાપાર ખાતાના સચિવ અધિકારીઓ પણ આ મીટીંગમાં હાજર હતા.