PM Modi inaugurates Rs 21,000 crore project in Vadodara
BIG NEWS /
ગુજરાતને 21 હજાર કરોડની ગિફ્ટ: PM મોદીના હસ્તે થયું લોકાર્પણ, જાણો કયા 3 રૂટ પર શરૂ થઈ ટ્રેનો
Team VTV01:43 PM, 18 Jun 22
| Updated: 04:22 PM, 18 Jun 22
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી ગુજરાતને હજારો કરોડના કામોની ભેટ આપી છે જેનાથી રાજ્યના હજારો મુસાફરોને થશે લાભ.
વડોદરામાં PM મોદીના હસ્તે હજારો કરોડના વિકાસ કામોની ભેટ
ત્રણ રૂટ પર શરૂ થઈ ટ્રેન
10,749 કરોડના કામોનું થયું લોકાર્પણ
પાલનપુર-મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાતમાં ડબલ એન્જિનનો ફાયદો
ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે ત્યારે રાજ્યને અનેક ભેટો પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત હવે શ્રેષ્ઠ પરિવહન સેવા આપવા માટે કટિબદ્ધ છે અને આજના કામોથી તેમાં વેગ મળશે. આ સિવાય મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હાલમાં 10મી જૂને જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે વિકાસના કામો ન કર્યા હોય તેવું એક અઠવાડિયુ બતાવો, અને આજે 8 જ દિવસ બાદ પ્રધાનમંત્રી મોદી બીજી વખત ગુજરાત આવ્યા છે ત્યારે જે કહ્યું તે કર્યુંના સિદ્ધાંત પર પીએમ મોદી ચાલી રહ્યા છે.
વડોદરામાં અબજોના વિકાસ કામોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસ પર છે ત્યારે વડોદરામાં PM મોદી એક સાથે હજારો કરોડના કામોની ગુજરાતને ભેટ આપવા જઈ રહ્યા છે. સવારમાં પાવાગઢમાં દર્શન બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમણે લાખોની ભીડ વચ્ચે સંબોધન કર્યું અને હજારો કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કર્યું છે. ખાસ કરીને રેલવેના કુલ 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આજે પ્રધાનમંત્રી દ્વારા મહિલાની સગર્ભાવસ્થાથી માંડીને 1000 દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે જ, રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’ લોન્ચ કરવામાં આવી છે અને આ યોજનાના લાભ હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે.
શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ?
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અવરોધે છે, જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે ખૂબ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી.
વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ.811 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષ માટે રૂ.4000 કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવશે.
આ યોજનાથી માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે. અપૂરતા મહિને જન્મ અથવા ઓછા વજનવાળા બાળકોના જન્મની સંખ્યામાં ઘટાડો થશે અને સંપૂર્ણ સ્વસ્થ બાળકોનો જન્મ થશે. આ સાથે જ માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં પણ ઘટાડો થશે.
કઈ કઈ ટ્રેન થશે શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે જે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાતનાં હજારો મુસાફરોને લાભ થવા જઈ રહ્યો છે. આજથી ગુજરાતમાં અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે. નોંધનીય છે કે આ રૂટ પર ટ્રેનો વર્ષોથી ચાલતી હતી પરંતુ ટ્રેનના પાટાને પહોળા કરવાના કામ માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રેન બંધ હતી. જોકે આજથી ફરીથી પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે જેનાથી અમદાવાદથી સાળંગપુર દાદાના દર્શન તથા ગણેશપુરા જેવા મંદિરે જતાં યાત્રાળુઓ માટે ખાય સુવિધા રહેશે.
આ સિવાય લુનિધાર-ઢસા, પાલનપુર-રાધનપુર ટ્રેનને પણ PM મોદીએ લીલી ઝંડી બતાવી છે, સાથે સાથે અનેક રેલવે સ્ટેશનના કામોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું છે.
કુલ કેટલા રૂટ પર દોડશે ટ્રેનો?
અમદાવાદ-બોટાદ
લુનિધાર-ઢસા
પાલનપુર-રાધનપુર
હજારો કરોડના વિકાસ કામોની ભેટ
PM મોદીએ આજે વડોદરાથી કુલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે જેમાં 10,749 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. સાથે સાથે 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં 5620 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ સાથે વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં PM સ્થપાયેલ આ વિશ્વ વિદ્યાલયને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
વડોદરામાં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
આજે પ્રધાનમંત્રી મોદીએ 100 એકર જમીનમાં નિર્માણ થનારી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસના ભૂમિપૂજન સાથે પાણી વિતરણના વિવિધ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ છે.
743 કરોડના ખર્ચે નવું કેમ્પસ
પીએમ મોદીએ વડોદરાથી કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંડેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે.
660.26 કરોડ રૂપિયાના ખર્ચે પાણી વિતરણ પ્રોજેક્ટ, 16 લાખ લોકોને મળશે લાભ
PM નરેન્દ્ર મોદીએ રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું છે. કુલ 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્ઘાટન જ્યારે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે.
ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે આજ દિન સુધીમાં 9.75 લાખ આવાસોનું નિર્માણ
આજ દિન સુધીમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 3 લાખ 72 હજાર 865 આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે, જે પૈકી 14 આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ 2 લાખ 93 હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં 90 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસો બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના શહેરો અને ગામડાઓને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજબી કિંમતે આવાસ પૂરા પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે 25 જૂન, 2015ના રોજ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ, રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબનો પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી 20 નવેમ્બર, 2016ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી. આજે રાજ્યના લાખો પરિવારો એવા છે કે જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પોતાના ઘરમાં રહેવાનું સુખ માણી રહ્યા છે.