ભારત પરત આવેલા હક્કી-પિક્કી જાતિના લોકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરતા કહ્યું કે, 'વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી'
હક્કી-પિક્કીના લોકોએ સરકાર અને PM મોદીના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઓપરેશન કાવેરી હેઠળ ભારત પરત આવેલા હક્કી-પિક્કી જાતિના લોકો સાથે મુલાકાત કરી તેમજ ચર્ચા કરી હતી. હિકી-પિક્કી જનજાતિના લોકોએ સલામત રીતે સ્થળાંતર કરી પરત લાવવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી. તે સમસ્યાના નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરે છે. વડાપ્રધાને આ મુદ્દા પર રાજનીતિ કરનારાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક ભારતીયને સલામત રીતે સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે શાંતિથી કામ કરી રહી છે. વિસ્થાપિતોએ તેમનું સમયસર અને સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં માટે વડા પ્રધાનનો આભાર માન્યો હતો.
હક્કી-પિક્કી જનજાતિના લોકોએ શું કહ્યું ?
હિકી-પિક્કી જનજાતિના લોકોએ કહ્યું કે સુદાનમાં તેમને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર અને ભારતીય દૂતાવાસ દ્વારા લેવામાં આવેલા પગલાઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, સરકારે સુનિશ્ચિત કર્યું કે, એક પણ નાગરિકને ખરોચ પણ નહીં આવે, અને આ સમગ્ર બાબત પ્રધાન મંત્રીના પ્રયાસોથી થયું છે. પીએમ પ્રત્યે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, તેઓ ડબલ એન્જિન નહીં પણ ટ્રિપલ એન્જિનની શક્તિથી પ્રતિનિધિત્વ કરે છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું ?
મહારાણા પ્રતાપનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેવી રીતે હક્કી-પીક્કી સમુદાયના પૂર્વજો તેમની સાથે ઉભા હતા. પીએમએ કહ્યું કે, કેટલાક રાજકારણીઓએ આ મુદ્દા પર રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો જયારે અમને ચિંતા એ હતી કે જો તેઓ જાહેર કરે કે ભારતીયો ક્યાં છે તો તેઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. તેથી જ અમારી સરકારે દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શાંતિથી કામ કર્યું. તેમણે તેમને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવા અને સમાજ અને દેશમાં યોગદાન આપવા માટે હંમેશા તૈયાર રહેવા જણાવ્યું હતું.