લદાખની સરહદ પર ચીન અને ભારતની સેના સામસામે છે અને સંઘર્ષ ચાલી રહ્યો છે. ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર વિવિધ નિર્ણયો લઇ રહી છે જેમાં ચાઇનીઝ એપને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે, બીજી તરફ દેશના નાગરિકો ચીની સામાનનો બહિષ્કાર કરવા અપીલ કરી રહી છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારો દ્વારા ચીની કંપનીઓ સાથે જે કરાર થયા છે તેના પર રોક લગાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
દેશ ભરમાં ચીનના બહિષ્કારની માગ
ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકારે કર્યા છે ચીન સાથે કરાર
અરજીમાં અદાણી ગ્રુપના કરારનો પણ ઉલ્લેખ
ચીન સાથે કરારો કેમ ?
મહારાષ્ટ્ર સરકાર, ગુજરાત સરકાર અને અદાણી ગ્રુપની સાથે ચીની કંપનીઓ સાથેના MoU રદ્દ કરવાની માગને લઈને દેશની સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કરાર દેશના નાગરિકોની ભાવના વિરુદ્ધ છે અને વડાપ્રધાનની આત્મનિર્ભર ભારત પોલીસીની પણ વિરુદ્ધ છે.
સર્વોચ્ચ અદાલતમાં અરજી
જમ્મૂની વકીલ સુપ્રિયા પંડિતાએ પોતાની અરજીમાં કહ્યું છે કે ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકી દીધા છે. બીજી તરફ અમુક રાજ્યોની સરકારો અને અમુક કંપનીઓ ચાઇનીઝ કંપનીઓ સાથે કરાર કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ અમુક રાજ્ય સરકારો અને કંપનીઓને લઈને સરકારના ભેદભાવને દર્શાવે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચીન સાથે સંઘર્ષમાં શૂરવીરો સર્વોચ્ચ બલિદાન આપી રહ્યા છે અને દેશમાં પણ ચીનના બહિષ્કારની માગ વધી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર ચીન સાથે કરારો કરે છે.
અદાણી કંપનીનો ઉલ્લેખ
આ અરજીમાં તે તમામ મીડિયા અહેવાલોનો સમાવેશ કરાયો છે જેમાં ચીની કંપનીઓ સાથે મહારાષ્ટ્ર સરકાર, ગુજરાત સરકાર અને અદાણી ગ્રુપ સાથે કરાર થયા છે. ચીની કંપની અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે થયેલા એક કરાર અનુસાર ચીની કંપનીઓ મહારાષ્ટ્રમાં ઉદ્યોગો સ્થાપિત કરશે. આ સિવાય ચીની કંપની સાથે અદાણી ગ્રુપના કરારનો ઉલ્લેખ છે જે અનુસાર ગુજરાતના મુન્દ્રામાં SEZમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા માટેની વાત કહેવામાં આવી છે.
અરજીમાં માગ કરવામાં આવી છે કે બંને દેશો વચ્ચે તણાવ અને દેશવાસિયોની ભાવનાઓને ધ્યાનમાં રાખી આ બધા જ કરાર પર તાત્કાલિક ધોરણે રોક લગાવવી જોઈએ. આ સાથે માંગણી કરવામાં આવી કે કે ચીન સાથે ભારત સરકારની વેપાર નીતિને સાર્વજનિક કરવી જોઈએ.ચીની કંપનીઓ સાથે ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને અદાણી કંપની સાથે થયેલા કરારોને રદ્દ કરવાની માગ સાથે સર્વોચ્ચ અદાલતમાં જાહેરહિતની અરજી દાખલ