plastic cups, plates and spoons are not available any place
ઝુંબેશ /
પ્લાસ્ટિકના કપ, પ્લેટ અને ચમચીઓ જેવી વસ્તુઓ હવે નહીં મળે
Team VTV03:01 PM, 14 May 19
| Updated: 03:02 PM, 14 May 19
શહેરમાં પ૦ માઇક્રોનથી નાની ઝભલાં થેલી પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનો છેલ્લા કેટલાક મહિનાથી છૂટથી ઉપયોગ થઇ રહ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેરોકટોક થતા ઉપયોગથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ ચોંકી ઊઠ્યા હોઇ આ મામલે કસૂરવારો સામે વ્યાપક દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. હવે તંત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ સામે લાલ આંખ કરશે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પ્લાસ્ટિકના ચાના કપ, ઝભલાં થેલી, અને પાન-મસાલાના રેપર પર પ્રતિંબધ મુકાયો હોવા છતાં શાક માર્કેટ, ફરસાણ, કરિયાણાની દુકાનો, ડેરી, ચાની કીટલીઓ, પાન પાર્લરો વગેરે સ્થળોએ છૂટથી તેનો ઉપયોગ થવા સામે હવે આકરી કાર્યવાહી થઇ રહી છે. ગત તા.૬ થી૧ર મે સુધીમાં તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના મામલે ૧૦૦૦ લોકોને નોટિસ ફટકારી રૂ.પ.૯પ લાખનો વહીવટી ચાર્જ ફટકારાયો હતો. તેમજ રર૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાતાં આવા પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા ધંધાર્થીઓમાં ફરી ફફડાટ ફેલાઇ ગયો છે.
જોકે ગત તા.પ જૂન, ર૦૧૮ના વિશ્વ પર્યાવરણ દિવસે તંત્ર દ્વારા પ૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો. તે વખતે સત્તાવાળાઓએ શહેરભરમાં વ્યાપક અભિયાન શરૂ કરી એક જ મહિનામાં દસ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને આ મામલે રૂ.૯૦ લાખની પેનલ્ટી વસૂલી હતી. આ ઉપરાંત ૧૬૪ જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉત્પાદન સાથે સંકળાયેલાં એકમોને તાળાં મારી દેતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ધંધાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
હવે સત્તાવાળાઓએ પ૦ માઇક્રોનથી પાતળા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામેની ઝુંબેશની સો સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ તમામ પ્રકારની કેરી બેગ, પ્લાસ્ટિક સ્ટ્રો, ચા-પાણી અને જ્યૂસના પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક નાઇફ, પ્લાસ્ટિક ફોર્ક, પ્લાસ્ટિક સ્પૂૂન અને લંચ પેક કે ડિનર પેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળીના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધિત હોઇ આના વપરાશકર્તા, સંગ્રાહકો અને ઉત્પાદકો સામે ભારે દંડાત્મક કાર્યવાહી કરાશે.
આમ તો ગત તા.૧ મે, ર૦૧૯થી મ્યુનિસિપલ સત્તાવાળાઓ શહેરભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વેચાણ, વપરાશ અને ઉત્પાદનના પ્રતિબંધની અમલવારી કડકાઇપૂર્વક કરવાના હતા પરંતુ તાજેતરમાં આ અંગે મ્યુનિ. વહીવટીતંત્રની 'ઉચ્ચસ્તરિય'બેઠક મળી હતી. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો મામલો ચર્ચાયો હતો. તંત્ર દ્વારા હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સ્ટાફને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધનું અભિયાન શહેરભરમાં વ્યાપકપણે હાથ ધરવાની સૂચના અપાઇ ગઇ છે.
આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિિસપલ કમિશનર મૂકેશ ગઢવીને પૂછતાં તેઓ કહે છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ કેન્દ્ર સરકારના પ્લાસ્ટિક રૂલ્સ હેઠળ પ્રતિબંધિત છે. પાણીના પાઉચમાં મ્યુનિ. સત્તાવાળાઓએ ખાસ જીપીએસસી એક્ટ હેઠળ નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે સિંગલ યુઝ પ્લાસ્ટિકના મામલે તંત્રના નોટિફિકેશનની જરૂર ન હોઇ તેના ઉત્પાદન, વપરાશ અને વેચાણ મામલે કડકાઇથી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.