મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા પહેલ, એએમટીએસના ઈતિહાસમાં પહેલી વખત વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરનારી 100 ઈલેક્ટ્રિક બસ રોડ પર દોડાવવાની બાબતનો સમાવેશ કરાયો
ઇતિહાસમાં પ્રથમ વાર 100 ઈલેક્ટ્રિક બસ દોડતી થાય તેવું આયોજન
તમામ ઈલેક્ટ્રિક બસમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ થશે
શહેરીજનોને હવા અને અવાજના પ્રદૂષણથી મુક્તિ મળશે
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આગામી નાણાકીય વર્ષ 2023-24ના રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. વૈશ્વિક કક્ષાએ અમદાવાદ યુ-20 બેઠકના આયોજક શહેર તરીકે તેમજ 2036માં ઓલિમ્પિકનું આયોજન શહેરમાં થાય તેવા પ્રયાસો ચાલુ હોઈ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને પોતાનાં સમગ્ર ડ્રાફ્ટને વૈશ્વિક સ્તરે શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની દિશામાં આગેકૂચ કરનારું બનાવ્યું છે, જેમાં મિશન ગ્રીન અમદાવાદને પણ કુનેહપૂર્વક આવરી લેવાયું છે, જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ના ઈતિહાસમાં પહેલી વખત વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરનારી 100 ઈલેક્ટ્રિક બસ રોડ પર દોડાવવાની બાબતનો સમાવેશ કરાયો છે.
100 ઈલેક્ટ્રિક બસ દોડતી થાય તેવું આયોજન
શહેરમાં ટ્રાફિક તેમજ વાયુ પ્રદૂષણમાં ઘટાડો થાય તે ખાસ જરૂરી બન્યું છે. તે માટે વધુને વધુ નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા થાય એ બાબત પણ અગત્યની છે. આ ધ્યેયને સાકાર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. પોતાનાં ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા એએમટીએસના દાયકાઓ જૂના ઇતિહાસમાં પ્રથમ વાર 100 ઈલેક્ટ્રિક બસ દોડતી થાય તેવું આયોજન કરાયું છે. ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં મ્યુનિ. કોર્પોરેશનની કટિબદ્ધતાના ભાગરૂપે એએમટીએસને 100 ઈલેક્ટ્રિક બસ મ્યુનિ. તંત્ર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન મળવાની છે.
પ્રતિકાત્મક તસવીર
ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ થશે
આ તમામ ઈલેક્ટ્રિક બસમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ થશે તેમજ તેને ગ્રોસ કોસ્ટ કિલોમીટરના દરથી સંચાલનમાં મુકાશે. 100 ઈલેક્ટ્રિક બસ ઉપરાંત મ્યુનિ. તંત્ર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 200 રેગ્યુલર બસ પણ ગ્રોસ કોસ્ટ કિલોમીટરના દરથી સંચાલનમાં મૂકવાનું આયોજન કરાયું છે. એએમટીએસની બસ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા (ચીફ મિનિસ્ટર અર્બન બસ સર્વિસ - સીએમબીયુએસ) હેઠળ રાજ્ય સરકારની ગ્રાંટ મળવાની છે.
એએમટીએસની ગત જાન્યુઆરી, 2023માં રોજેરોજ સરેરાશ 675 બસ રોડ પર મુકાઈ હતી, જેનાથી તંત્રને દરરોજ રૂ. 23.48 લાખની આવક થઈ હતી. જાન્યુઆરી મહિનામાં દૈનિક 4.23 લાખ પેસેન્જર્સ એએમટીએસમાં નોંધાયા હતા. જોકે વર્ષ 2023-24માં સરેરાશ કુલ 809 બસના કાફલા સામે દૈનિક 754 બસ રોડ પર દોડતી કરાશે તેવો મ્યુનિ. તંત્રનો દાવો છે.
દરવાજા ખુલ્લા હશે, તો બસ ચાલશે નહીં
એએમટીએસમાં દોડનારી ઈલેક્ટ્રિક બસના ઓટોમેટિક દરવાજા સેન્સરવાળા હશે, જેના કારણે તેના દરવાજા ખુલ્લા હોવાના સંજોગોમાં તે બસ ચાલી શકશે નહીં. પરિણામે પેસેન્જર્સની સલામતીમાં અનેક ગણો વધારો થશે.
બસમાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ રખાશે
આ ઈલેક્ટ્રિક બસમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ રહેશે. ઉપરાંત બસમાં અગ્નિશામક સિલિન્ડર પણ મુકાશે, જેના કારણે આકસ્મિક આગના બનાવમાં પેસેન્જર્સની સુરક્ષા જળવાશે.
શહેરીજનોને હવા અને અવાજના પ્રદૂષણથી મુક્તિ મળશે
મ્યુનિ. તંત્ર દ્વારા એએમટીએસને અપાનારી ઈલેક્ટ્રિક બસ મિડી બસ હશે, જે નવ મીટર લાંબી અને બીઆરટીએસ ડોરના સ્પેસિફિકેશન મુજબની હોઈ શહેરીજનોને હવા અને અવાજના પ્રદૂષણથી મુક્તિ અપાવશે.