વડોદરામાં કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ કરવાની માગ સાથે કોર્ટના પ્રાંગણ બહાર પ્રતીક ઉપવાસની શરૂઆત
વડોદરામાં કોર્ટની કાર્યવાહી ફિઝીકલ શરૂ કરવા વકીલોની માગ
વડોદરાના વકીલો દ્વારા કોર્ટના સંકુલમાં જ કરાયા ધરણાં
લાંબા સમયથી કોર્ટ બંધ રહેતા રોજગારી પર અસરનો દાવો
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કોર્ટની ફિઝિકલ કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. એ વાતને આજે દસ મહિના થવા આવ્યા છે. જોકે ગુજરાતમાં ધીરેધીરે સ્થિતિ સામાન્ય બની રહી છે. સરકાર દ્વારા કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. પરંતુ કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ કરવાની પરવાનગી ન અપાતા શહેરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે બરોડા બાર એસોસિએશન દ્વારા કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ કરવાની માગ સાથે કોર્ટના પ્રાંગણ બહાર પ્રતીક ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે.
ઉપવાસ પર બેઠેલા વકીલોએ પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોર્ટમાં ફિઝિકલ કામગીરી બંધ હોવાના કારણે વકીલોની રોજગારી પર પણ અસર થઈ રહી છે. સાથેસાથે અસિલોને ન્યાય મડવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. ત્યારે જો વહેલી તકે કોર્ટ કાર્યવાહી શરૂ નહીં કરવામાં આવે તો એક ફેબ્રુઆરીએ કોર્ટ રૂમમાં ફિઝિકલ તારીખ માગીને સવિનય કાનૂન ભંગ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તો કોરોનાકાળમાં રાજકોટ સહિત રાજ્યની તમામ કોર્ટમાં ફિઝિકલ કોર્ટ બંધ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે ફિઝીકલ કોર્ટ શરૂ કરવાની માગ કરી છે. દિલીપ પટેલે ચીફ જસ્ટીસને પત્રમાં લખ્યું છે કે હાલમાં કોરોનાની રસી આવી ગઇ છે ત્યારે હવે જજ અને કોર્ટના સ્ટાફે કોરોનાનો ડર કાઢવો જોઇએ.