ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, નીતિન પટેલે કહ્યું- 'વેટમાં ઘટાડાની શક્યતા નહીં'

By : hiren joshi 06:43 PM, 14 September 2018 | Updated : 06:44 PM, 14 September 2018
ગાંધીનગરઃ મોંઘવારીના માર વચ્ચે ગુજરાતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવમાં હાલ કોઈપણ પ્રકારની રાહત નહીં મળે. કારણ કે રાજ્ય સરકાર વેટમાં કોઈપણ પ્રકારનો ઘટાડો નહીં કરે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ગત વર્ષે જ ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. જેથી આ વર્ષે વેટમાં કોઈ ઘટાડો કરાશે નહીં. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સૌથી ઓછો વેટ લેવાય છે. જેથી હાલ તો વેટમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇ વિપક્ષ સહિત વાહનચાલકોએ મોદી સરકારને ચો તરફથી ઘેરી છે. શુક્રવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 81.28 રૂપિયા-લીટર તો ડીઝલમાં 73.30 રૂપિયા લીટરએ વધારો થયો. ત્યાં મુંબઇમાં પેટ્રોલ 88.67 રૂપિયા લીટર અને ડીઝલના ભાવ 77.82 રૂપિયા લીટર પહોંચ્યો છે.

મહત્વનું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો ઝીંકાયો છે. પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડીઝલના ભાવમા 24 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે રૂપિયા 80.40એ પહોંચ્યો છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે રૂ. 78.60 પર પહોંચ્યો છે.

જો કે, છેલ્લાં 13 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 2.75નો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં છેલ્લા 12 દિવસમાં રૂ. 3.50નો વધારો થતા નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. મહત્વની વાત છે કે હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પેટ્રોલનો ભાવ રૂ. 80 ઉપર પહોંચ્યો છે. ત્યારે સરકારે પણ ભાવ ઘટાડવાના કોઈ સંકેત આપ્યા નથી અને વિપક્ષ પણ મૌન રહેતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. Recent Story

Popular Story