રજાઓની સિઝન સાથે આપણા ખાણી પીણી અને ઉજવણી જોડાયેલા હોય છે. તાજેતરના અભ્યાસમાં અત્યંત ચોંકાવનારાં પરિણામો આવ્યાં છે. આ અભ્યાસ અનુસાર જે લોકો ખાણી પીણી લઇને વધુ સચેત કે સંયમિત ભોજન કરે છે અને બીજા લોકો જે ખાતા હોય તે પોતે ખાઇ શકતા નથી ત્યારે તેમનામાં એકલતાનો ખતરો વધુ હોય છે.
આ પહેલાં સાત અભ્યાસ અને નિયંત્રિત પ્રયોગોના આધારે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે અેલર્જી, સ્વાસ્થ્યનાં કારણો, ધાર્મિક કે સાંસ્કૃતિક કારણોસર સંયમિત કે નિયંત્રિત ભોજન કરવાથી બાળકો અને વયસ્કોમાં અેકલાપણાનો અહેસાસ વધે છે. જે વ્યક્તિ લોકોની વચ્ચે રહેવા છતાં પણ કોઇ પ્રકારના પ્રતિબંધના કારણે ખાવાનું ખાઇ નથી શકતી અથવા કોઇની સાથે શેર કરી શકતી નથી તે ખુદને દુનિયાથી અલગ અનુભવે છે અને તે એકલતાના અહેસાસથી પીડાય છે.
આવો અભ્યાસ પહેલીવાર કરાયો છે. તેમાં એવું જાણવા મળ્યું છે કે ભોજન પરના પ્રતિબંધથી એકલતાનો અહેસાસ વધે છે. એકલતાનું સ્તર આ લોકોમાં એટલું જ ઊંચું હોય છે, જેટલું અવિવાહિત અને ઓછી આવકવાળા લોકોમાં હોય છે. તેમણે જણાવ્યું કે જો કોઇ વ્યક્તિ બધું જ ખાતી હોય અને અચાનક તેના ભોજન પર પ્રતિબંધ મૂકી દેવાય તો તેનામાં એકલતાનું સ્તર ૧૯ ટકા સુધી વધી જાય છે.