Team VTV08:40 PM, 06 Feb 23
| Updated: 09:03 PM, 06 Feb 23
જંત્રીના દર વધતા અમદાવાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો અટવાયા છે, નાગરિકોએ જણાવ્યું કે, સરકારનો આ નિર્ણય યુ ટર્ન જેવો છે જે અચાનક લઈ લીધો છે આમાં થોડો સમય આપવાની જરૂર હતી.
જંત્રીના દર વધતા દસ્તાવેજ અટક્યા
સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ અટક્યા
જંત્રી વધતા લોકો પર ભાર વધ્યો
જંત્રીના દર વધતા અમદાવાદમાં દસ્તાવેજોને લઈ લોકો અટક્યા છે. અમદાવાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો અટવાયા છે. અચાનક જંત્રી વધતા લોકો પર ભાર વધ્યો છે અને જેને લઈ આજે જે લોકોનો દસ્તાવેજ હતો તેમણે બમણી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડી રહી છે. જે લોકોએ ફ્રેન્કિંગ પહેલા કરાવ્યું હતું તેમના જૂની જંત્રી ડ્યુટીમાં દસ્તાવેજ થયા છે. તેમજ જે લોકોનું ફ્રેન્કિંગ બાકી છે તેમના દસ્તાવેજ નવી જંત્રીમાં થયા છે
'આ નિર્ણય યુ ટર્ન જેવો છે'
જંત્રીને લઈ નાગરિકોએ જણાવ્યું કે, ભાવ વધાર્યો એ બરાબર છે પણ જે રીતે ભાવ વધાર્યો છે તેનાથી જનતા ખૂબ હેરાન થઈ રહી છે, જૂના સ્ટેપિંગ કરાવેલા હોય તે દસ્તાવેજો થઈ ગયા પરંતુ કાલથી દસ્તાવેજો નોંધાશે જ નહી. તેમણે કહ્યું કે, જૂની જંત્રી મુજબ લોન લીધેલી છે તેમને લોનના ચેકો રેડી થઈ ગયા છે પરંતુ જંત્રી વધતા તેના દસ્તાવેજોની કિંમત વધી ગઈ છે પરંતુ આવા કિસ્સામાં લોન ડબલ નહી થવાની એટલે બાકીની રકમનો એર્જમેન્ટ ક્યાંથી કરવો તેના કારણે મુશ્કલી સર્જાઈ રહી છે. નાગરિકોએ જણાવ્યું કે, સરકારનો આ નિર્ણય યુ ટર્ન જેવો છે જે અચાનક લઈ લીધો છે આમાં થોડો સમય આપવાની જરૂર હતી.
GIHED અને ક્રેડાઈના બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક થઈ હતી
ગુજરાતમાં આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવવાની વચ્ચે આજે GIHED અને ક્રેડાઈના બિલ્ડર્સની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં GIHED અને ક્રેડાઈના બિલ્ડર્સ દ્વારા જંત્રીમાં તબક્કાવાર ભાવવધારાની રજૂઆત કરાઇ હતી. આ સાથે જંત્રી અંગે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા અને 1મેથી નવી જંત્રી લાગુ કરવા રજૂઆત કરાઇ હતી. જોકે બેઠક બાદ મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.
ક્રેડાઈ અને ડેવલપર્સની બેઠક બાદ સરકારની મહત્વની બેઠક યોજાઈ હતી
આ તરફ હવે ક્રેડાઈ અને ડેવલપર્સની બેઠક બાદ સરકારની મહત્વની બેઠક ચાલી યોજાઈ હતી. મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુખ્ય સચિવ રાજ કુમાર અને શહેરી વિકાસ વિભાગ અગ્રસચિવ મુકેશ કુમાર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્રેડાઈ અને ડેવલપર્સની રજૂઆત સંદર્ભે ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે, જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર મોટો નિર્ણય પણ કરી શકે છે.
ક્રેડાઈએ શું માગ કરી?
પેઈડ FSIમાં જંત્રી 40%ના બદલે 20% કરવામાં આવે
એડહોક 100% વધારાને બદલે સાયન્ટીફીક રીતે જંત્રી કરવી જોઈએ
રહેણાંક, ફ્લેટ અને દુકાનની જંત્રીમાં 20%નો કરવો જોઈએ વધારો
યુનિટનું પ્રથમ વેચાણ થવા સમયે સ્ટેમ્પ ડ્યુટી 1% ઘટાડવી જોઈએ
નિર્ણય પર કોંગ્રેસે શું કહ્યું ?
આ નિર્ણય પર કોંગ્રેસ કહે છ તે, વર્તમાન સરકાર જનતા વિરોધી છે અને વિજયના ઉન્માદમાં જંત્રી વધારવાનો નિર્ણય લેવાયો છે તે કહે છે કે, જનતા પર આકરો આર્થિક બોજ નાખી લોકોને ઘરવિહોણા બનાવવાનો કારસો છે તેમજ આ વધારો બિલ્ડરો પોતાના માથે નહીં રાખે તેમજ બિલ્ડરો જનતા પર વધારો ઝીંકી દેશે. કોંગ્રેસ કહે છે કે, જનતા પર 30થી 40 હજારનો વધારાનો બોજો પડશે અને સરકાર આ અસહ્ય વધારો પાછો ખેંચે
જંત્રીના દરને કયા પરિબળો અસર કરે છે ?
જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈ પણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ જંત્રી નક્કી થાય છે તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.
જંત્રીનું મહત્વ કેમ ?
જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેન્ક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે.
નવી જંત્રીથી લોકોને શું અસર?
પ્રોપર્ટી લે-વેચમાં લોકોએ વધારે રૂપિયા ખર્ચવા પડશે અને જંત્રી વધવાથી મિલકતો મોંઘી થશે તેમજ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા લોકોને નુકસાન થશે. જંત્રી ડબલ કરવાથી મિલકતના કિંમત પણ ડબલ થશે. જંત્રી વધવાથી સ્ટેમ્પ ડ્યૂટી પણ વધી જશે અને સ્ટેમ્પ ડ્યૂટી પણ ડબલ ચૂકવવી પડશે. જંત્રી વધવાથી લોકોની લોનની ક્રેડિટ વધી જશે