Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

શ્રદ્ધા / ગુજરાતનાં આ ગામમાં છે 'ચોકીદાર'નું મંદિર, રક્ષા કરતા હોવાંની લોકોની આસ્થા

ગુજરાતનાં આ ગામમાં છે 'ચોકીદાર'નું મંદિર, રક્ષા કરતા હોવાંની લોકોની આસ્થા

`ચોકીદાર' આ શબ્દ આજ કાલ ખૂબ ચર્ચામાં છે. આ શબ્દ પર 2019ની લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે. ચોકીદાર શબ્દ પર ભલે ઘણી રાજકીય પાર્ટીઓને વિશ્વાસ ન હોય પરંતુ આપણા રાજ્યનાં એક ગામમાં ચોકીદાર શબ્દ પર લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં આપણે રાજકારણની વાત નથી કરી રહ્યાં. આપણે વાત કરી રહ્યાં છે એ એક મંદિરની કે જેને લાખો લોકો ચોકીદાર મંદિરથી ઓળખે છે. તો ક્યાં આવેલું છે આ ચોકીદારનું મંદિર અને આ મંદિર સાથે કેવી જોડાયેલી છે લોકોની આસ્થા.

 


સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બીજેપીનાં સમર્થકો પોતે પણ પોતાને ચોકીદાર તરીકે સંબોધે છે ત્યારે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં એક એવું મંદિર આવેલું છે જે મંદિરનું નામ જ `ચોકીદાર' છે. નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડા તાલુકામાં સાતપૂડા પર્વતની ગિરિમાળાની મધ્યમાં ચોકીદાર દેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં બિરાજમાન દેવને સ્થાનિક લોકો અને બીજા રાજ્યનાં આદિવાસીઓ ક્યારેક દેવદરવાણીયા, ક્યારેક કાળીયાભૂત મામા તો ક્યારેક ચોકીદાર દેવ તરીકે સંબોધે છે.

અહીં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાત એમ ત્રણેય રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ આ ચોકીદાર દેવનાં મંદિરે દર્શન કરવા આવે છે. ત્રણેય રાજ્યનાં આદિવાસી શ્રદ્ધાળુઓ આ દેવને અલગ અલગ નામથી સંબોધે છે. મહારાષ્ટ્રનાં આદિવાસી આ દેવને દેવદરવાણિયા કહે છે ત્યારે મધ્યપ્રદેશનાં આદિવાસી કળિયાભૂત મામા કહે છે જ્યારે ગુજરાતનાં આદિવાસીઓ ચોકીદાર તરીકે સંબોધે છે. આ દેવનું નામ આદિવાસીઓ માટે ભલે અલગ-અલગ હોય પરંતુ અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓની આસ્થા એક જ હોય છે.
 


આ ચોકીદાર દાદાનું મંદિર ઘણાં વર્ષોથી અહીં સ્થાપિત છે. આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે, મંદિરથી થોડે દૂર દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરીમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, આ પાંડુરી માતાનું મંદિર પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. આ પાંડુરી માતા આદિવાસીઓની કુળદેવી છે. અહીં દર શિવરાત્રીએ પાંચ દિવસનો મેળો ભરાય છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

આદિવાસીઓ પાંડુરી માતાનાં દર્શન કરી અને પૂજા અર્ચના કરીને પછી જ દરેક શુભ કામની અને ખેતીની શરૂઆત કરે છે. દેવમોગરા પાંડુરી માતાનાં મંદિરે જતાં પહેલાં કાળીયાભૂત મામા એટલે કે ચોકીદાર દેવનું મંદિર રસ્તામાં આવે છે જ્યાં પહેલાં શિશ ઝુકાવું પડે છે. ત્યાંથી ચોકીદાર દેવની રજા મળે પછી જ આગળ પાંડુરી માતાનાં દર્શને જઈ શકાય છે. જો કે, ચોકીદાર દેવ દરેકને રજા આપે છે.

કહેવાય છે કે, કુળદેવીની પૂજા અર્ચના કરવી હોઈ તો તે પહેલાં ચોકીદાર દેવને પ્રસન્ન કરવા પડે છે. તેમનાં મંદિરમાં પૂજા કરીને જ પાંડુરી માતાનાં મંદિરે જવાય છે આદિવાસીઓમાં એવી માન્યતા છે કે ચોકીદાર દેવની પૂજા કરવાંથી જ પાંડુરી માતાનાં મંદિરે દેવમોગરા જવાનો રસ્તો એમનાં માટે ખૂલી જાય છે. કોઈ ચોકીદાર દેવની પૂજા કર્યા વિના પાંડુરી માતાનાં મંદિરે જાય તો એમની પૂજા સંપન્ન થતી નથી. તે માટે જ આ ચોકીદાર દેવને આદિવાસીઓ રક્ષક માને છે. હાલની લોકસભાની ચૂંટણીમાં પણ ચોકીદાર નામ વપરાતા શ્રદ્ધાળુ આદિવાસીઓની લાગણીઓ પણ દુભાઈ રહી છે.

ખાસ કરીને સોશિયલ મીડીયા પર લોકસભા ચૂંટણીનાં માહોલમાં પોતાનાં વિશેષ ગુણ માટે નેતાઓ અને કાર્યકરો પોતાની પ્રોફાઈલમાં ચોકીદાર શબ્દ ઉમેરે છે ત્યારથી જ ચોકીદાર શબ્દ વધુ પ્રચલિત થયો છે. પરંતુ અહીંનાં આદિવાસીઓ માટે તો આ શબ્દ પહેલેથી જ પ્રચલિત છે અને આ ચોકીદાર તેમનું રક્ષણ પણ કરતો હોવાનું માને છે.

 
Chowkidar Dediyapada Narmada

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ