people of sanganara village of kutch protesting against wind mills of suzlon energy
વિવાદ /
500 વર્ષથી જે જંગલની કચ્છીઓએ રક્ષા કરી તેને તંત્રએ એનર્જી કંપનીને સોંપી દેવાનો આરોપ, સેંકડો લોકો વિરોધમાં
Team VTV02:56 PM, 07 Aug 21
| Updated: 01:09 PM, 18 Aug 21
કચ્છનું એક નાનકડું ગામ સંગનારા અત્યારે વિન્ડમીલ કંપનીથી પ્રકૃતિને બચાવવા માટે લડી રહ્યું છે.
સંગનારા ગામમાં એનર્જી કંપનીનો ભારે વિરોધ
છેલ્લા 500 વર્ષથી આ જંગલની સુરક્ષા કરે છે ગ્રામજનો
વિન્ડમિલ લગાવતા જંગલ અને વન્યજીવોનો થઈ રહ્યો છે નાશ
ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર અને વિન્ડમિલથી વીજળી પેદા કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. એમાંય હવાથી વીજળી પેદા કરવાની વાત આવે તો કચ્છમાં ખૂબ મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં વિન્ડમીલ ગોઠવવામાં આવ્યા છે.
એનર્જી માટે જંગલનો નાશ
કચ્છનું એક નાનકડું ગામ સંગનારા અત્યારે વિન્ડમીલ કંપનીથી પ્રકૃતિને બચાવવા માટે લડી રહ્યું છે. કચ્છમાં એનર્જી કંપનીઓ તથા સ્થાનિકો વચ્ચે અનેકવાર વિવાદ થયા હોવા તેવા કેસ સામે આવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આ કંપનીઓ પ્રકૃતિ તથા ફળદ્રુપ જમીનને નષ્ટ કરી રહી છે.
વન્યજીવોનું શું થશે?
સંગનારામાં સ્થાનિક જંગલ તથા વન્યજીવોને ખતમ કરીને એનર્જી પેદા કરવા સામે હવે સ્થાનિકોએ બાંયો ચડાવી છે. નોંધનીય છે કે સંગનારા 500 સ્ક્વેર કિમીમાં ફેલાયેલ કાંટાળું જંગલ છે જેમાં ચિંકારા, વરુ, ઉંદર, જંગલી બિલાડી, શિયાળ તથા ગીધ પક્ષીઓ વાસ કરે છે.
જંગલ સાથે લોકોની સંવેદનાઓ જોડાયેલી છે
સંગનારાનું માત્ર પ્રાકૃતિક જ નહીં ધાર્મિક મહત્વ પણ છે. પાંચ ગામડાઓ આ જગ્યાને પૂજનીય સ્થળ માને છે અને છેલ્લા આશરે પાંચસો વર્ષથી આ જંગલની રક્ષા કરી રહ્યા છે.
આજથી પાંચ વર્ષ પહેલા સૌથી પહેલા વિન્ડમિલ સુઝલોન દ્વારા મૂકવામાં આવ્યું હતું જેના માટે સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું અને જમીન સમતળ કરવા માટે મોટા મોટા મશીન ઉતારવામાં આવ્યા. ટ્રાન્સમિશન કેબલ સહિતની વસ્તુઓ ગોઠવવામાં આવી જેના કારણે પશુ-પક્ષીઓએ વેદના વેઠવાનો વારો આવ્યો.
પંચાયતે કર્યો વિરોધ છતાં તંત્રનાં આંખ આડા કાન
હવે ગ્રામ પંચાયત દ્વારા પૂરજોર વિરોધ છતાં 40 વિન્ડમીલને તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પંચાયતનાં સભ્યોએ કલેકટરનો પણ સંપર્ક કર્યો હતો છતાં કોઈ સુનાવણી કરવામાં આવી નહીં.
તંત્રએ ગામના લોકોની વાતો સામે આંખ આડા કાન કરતાં આખરે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવામાં આવી.
મહિલાઓ પણ આવી મેદાને
હવે સ્થાનિકોએ આખરે રસ્તા પર ઉતરીને વિરોધ કરવો પડી રહ્યો છે, ગામના લોકો કંપનીની ગાડીઓને જંગલમાં જવાથી રોકે છે અને આટલું જ નહીં મહિલાઓ તથા યુવાનો પણ મોટા પ્રમાણમાં વિરોધ કરવા ઉતરી રહ્યા છે.
જોકે કંપનીને પોલીસ દ્વારા ભારે સુરક્ષા કરવામાં આવી છે તથા તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ જમીન પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે સેંકડોની સંખ્યામાં ગ્રામજનોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો.