People from Ishanpore village of Surat joined Jantar Yatra
જંતરયાત્રા /
ઘરે તાળાં લગાવીને 1500 લોકો ગામ બહાર નીકળી ગયા હતા : સુરતના ઈશનપોર ગામલોકોએ જાણો શું કામ આવું કર્યું
Team VTV08:18 PM, 04 May 22
| Updated: 08:20 PM, 04 May 22
સુરત જિલ્લાના ઈશનપોર ગામ ખાતે તમામ લોકો ઘરમાં તાળાં લગાવી પશુઓ સાથે જંતરયાત્રામાં જોડાયા હતા. ગ્રામજનો નીરોગી અને સુખી સંપન્ન થાય તેવી પ્રાર્થના કરી હતી.
જૂની પરંપરાને ગ્રામજનોએ વર્ષો બાદ ફરી યથાવત રાખી
ગામમાં તમામ લોકો પશુઓ સાથે નીકળ્યા
1986 માં શરૂ થઇ હતી યાત્રા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામ ખાતે અખાત્રીજના દિવસે જંતરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૧૫૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામમાં તમામ લોકો ઘરમાં તાળાં લગાવી પશુઓ સાથે ગામ બહાર નીકળી ગયાં હતાં. ગામમાં રેહેતા તમામ લોકો નીરોગી અને સુખી સંપન્ન થયા અને આયુષ્ય વધે તે માટે વર્ષો પછી ફરી વાર યાત્રા કાઢવામાં આવી હતી. કોરોના સાથે ગામમાં અપમૃત્યુની ઘટના અટકે તે માટે ગામનાં દરેક શેરી-મહોલ્લાના નાકે વાંસની લાકડી અને નાળિયેર સાથે જંતર લટકાવવામાં આવે છે અને જેના નીચેથી ગ્રામજનો ગામની બહાર જાય છે. આ પરંપરાને ગ્રામજનોએ વર્ષો બાદ ફરી યથાવત રાખી હતી.
દર વારે જંતરયાત્રાના આયોજનનો લીધો સંકલ્પ
ઓલપાડના ઈસનપોર ગામ ખાતે ૩૫ વર્ષ પહેલાં રોગચાળો સહિત આકસ્મિક મૃત્યુની ઘટનામાં વધારો નોંધાતા ગ્રામજનો ભયભીત થયાં હતાં ત્યારે કરજણના પલેખા કસ્ટભંજન હનુમાનજી મંદિરે જઈને ગામની રક્ષા માટે સંતો-મહંતો પાસે પ્રાર્થના કરવા સાથે આપેલી જંતર ગામના પ્રવેશદ્વાર પર લગાવી ધાર્મિક નિયમોનું પાલન કરી વિધિ કરવા કહેતાં ગ્રામજનોએ વિધિ સાથે જંતરયાત્રા કાઢતાં ગ્રામજનો નીરોગી અને સુખી થતાં યાત્રા કાઢતા થયા હતા. આ યાત્રા 1986 માં શરૂ થઇ હતી ત્યારબાદ કોઇ કારણસર થોડા વર્ષોથી બંધ થઇ ગઈ હતી.પરંતુ હાલની સ્થિતિએ કોરોના મહામારી અને અપમૃત્યુના કેસમાં ઉછાળો જોવા મળતા ગામના આગેવાનો અને વડીલોના આગ્રહથી યુવનોના સહિત તમામ લોકોના સહયોગથી ફરી યાત્રા નીકળી હતી જેમાં ગ્રામજનોના નીરોગી આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી.ગામના બાળકોથી માંડી વૃદ્ધો સહિતના ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા અને વર્ષો બાદ ફરી થયેલી જંતરયાત્રામાં સ્વયંભૂ જોડાયા હતા. એટલું જ નહી જંતરયાત્રા પૂર્ણ થયા બાદ તમામ લોકોએ હવેથી દર વર્ષે અખાત્રીજના દિવસે જંતરયાત્રાનું આયોજન કરવાનો પણ સંકલ્પ લીધો હતો બાદમાં ગ્રામજનોએ એક સાથે સમૂહ ભોજન લઈ ઇષ્ટદેવની પ્રાર્થના કરી ઘરે ગયા હતા.
લોકો આકરા નિયમોનું પાલન કરી યાત્રામાં જોડાયા
ટેકનોલોજી અને વિકાસના આ સાંપ્રત સમયમાં ગ્રામજનોએ ઇષ્ટદેવ પર અખૂટ શ્રધ્ધા રાખી હતી અને યાત્રાના 3 દિવસ આગાઉ તમામ માંસાહારનો ત્યાગ કરી, વ્યસન ને હાથ પણ ન લગાવવો, દાઢી-વાળ ન કપાવવા સહિતના આકરા નિયમોની સંપૂર્ણ પાલન કરી ગ્રામજનો ફરજિયાતપણે યાત્રામાં જોડાયા હતા.