પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને મોટો ફટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો
કેરોસીન તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક દુર્દશાથી આખી દુનિયામાં કોઈ અજાણ નથી. આ દરમિયાન પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ સાથે કેરોસીન તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે સામાન્ય લોકોને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. આ દરમિયાન હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે રવિવારે 29 જાન્યુઆરીથી ડોલર સામે રૂપિયો નબળો પડવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
Photo: Social Media
શું કહ્યું હતું નાણાપ્રધાન ઈશાક ડારે ?
પકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે પણ તેમના ટેલિવિઝન સંબોધનમાં જાહેરાત કરી હતી કે, કેરોસીન તેલ અને લાઇટ ડીઝલ તેલના ભાવમાં 18-18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બિનસત્તાવાર મર્યાદા દૂર કર્યા બાદ ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યા બાદ આ વધારો થયો છે. પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડા પછી એવી અટકળો હતી કે, સરકાર કિંમતોમાં 80 રૂપિયાથી વધુનો વધારો કરી શકે છે.
પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના નવા ભાવ
હાઇ સ્પીડ ડીઝલ: રૂ. 262.80 પ્રતિ લિટર
એમએસ પેટ્રોલ: 249.80 રૂપિયા પ્રતિ લીટર
કેરોસીન તેલ: રૂ. 189.83 પ્રતિ લીટર
લાઇટ ડીઝલ તેલ: 187 રૂપિયા પ્રતિ લીટર
પાકિસ્તાનના નાણામંત્રીએ માહિતી આપી હતી કે, OGRA (ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી) એ વડાપ્રધાન શહબાઝ શરીફની સરકારને અસ્થાયી સંગ્રહખોરી અને પેટ્રોલની અછત અંગેની અટકળોને રોકવા માટે તાત્કાલિક ધોરણે નવા દરો લાગુ કરવા વિનંતી કરી હતી.